Loading Please Wait !!!
"યાત્રાધામ વિકાસ બોર્ડનો 19 વર્ષનો હિસાબ 'ગુમ': કરોડોની ગ્રાન્ટ ક્યાં વપરાઈ? CAGના અહેવાલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ"

  • વર્ષ 2006-07 થી અત્યાર સુધી એક પણ વાર્ષિક અહેવાલ વિધાનસભામાં રજૂ કરાયો નથી - પારદર્શિતાના દાવાઓ વચ્ચે વહીવટી લાપરવાહી
  • સોમનાથ, દ્વારકા અને અંબાજીના વિકાસ માટે ફાળવાયેલા જાહેર નાણાંનો હિસાબ કોની પાસે? બે દાયકાથી તંત્ર ઘોર નિદ્રામાં
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શહેરી વિકાસ નિગમ કરતા પણ ખરાબ રેકોર્ડ - યાત્રાધામ બોર્ડના વહીવટમાં મોટી ગેરરીતિની આશંકા

ગુજરાત સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને પારદર્શક વહીવટના બણગાં ફૂંકે છે, પરંતુ બીજી તરફ રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરતું બોર્ડ છેલ્લા બે દાયકાથી હિસાબ આપવામાં 'ઠન ઠન ગોપાલ' સાબિત થયું છે. CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) ના તાજેતરના અહેવાલમાં બહાર આવ્યું છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે વર્ષ 2006 થી અત્યાર સુધીનો એક પણ વાર્ષિક અહેવાલ ગૃહમાં રજૂ કર્યો નથી.

કરોડોની ગ્રાન્ટ અને શંકાસ્પદ વહીવટ રાજ્ય સરકાર દર વર્ષે યાત્રાધામોમાં સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાની લ્હાણી કરે છે. સોમનાથ, અંબાજી અને દ્વારકા જેવા સ્થળોએ શ્રદ્ધાળુઓ માટે ખર્ચાતા જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં થયો? ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ ઓડિટ રિપોર્ટમાં હોય છે, પરંતુ બોર્ડે છેલ્લા 19 વર્ષથી આ રિપોર્ટ્સ વિધાનસભાથી દૂર રાખ્યા છે. આટલી લાંબી લાપરવાહી આર્થિક ગેરરીતિ તરફ આંગળી ચિંધી રહી છે.

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન સરકારી નિયમો મુજબ, દરેક સ્વાયત્ત બોર્ડ કે સંસ્થાએ વર્ષ પૂરું થયા બાદ તેની કામગીરી અને હિસાબનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે. જોકે, યાત્રાધામ વિકાસ બોર્ડે આ નિયમની જાણે કોઈ કિંમત જ ન હોય તેમ વહીવટ ચલાવ્યો છે. રિપોર્ટમાં નોંધાયું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી સંસ્થાઓના પણ થોડા અહેવાલો બાકી છે, પરંતુ 19 વર્ષનો આટલો લાંબો 'બેકલોગ' માત્ર આ જ બોર્ડના નામે છે.

ભક્તોની આસ્થા અને વહીવટી લાપરવાહી યાત્રાધામો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શ્રદ્ધાળુઓના ટેક્સના નાણાંથી ચાલતા આ બોર્ડની નિષ્ક્રિયતા હવે સવાલોના ઘેરામાં છે. શા માટે આટલા વર્ષો સુધી કોઈ ઉચ્ચ અધિકારી કે મંત્રીએ આ બાબતે તપાસ ન કરી? શું કરોડોના ખર્ચમાં કોઈ મોટું કૌભાંડ છુપાવવા માટે રિપોર્ટ્સ દબાવી રાખવામાં આવ્યા છે? આ સવાલો અત્યારે સચિવાલયમાં ગુંજી રહ્યા છે.