અમદાવાદ ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ 'ભડકો': ધારાસભ્યોનું લોબિંગ ફળ્યું અને કાર્યકરો રઝળ્યા, પરિવારવાદ સામે ઉગ્ર રોષ!
- પાલડીમાં પ્રીતીશ મહેતા અને રાણીપમાં વિરલ વ્યાસના પતા કપાયા – પૂર્વ કોર્પોરેટરોના સંતાનોને મળી લોટરી
- પ્રીતીશ મહેતાની મહેનત એળે ગઈ, ભત્રીજીને મળી ટિકિટ – પ્રકાશ ગુર્જર અને વિરલ વ્યાસ આઉટ થતા તર્કવિતર્ક
- વસ્ત્રાલમાં પાટીદાર ફેક્ટર ચાલ્યું – પ્રતિભા દુબે અને અનિરુદ્ધસિંહ ઝાલાની બાદબાકીથી કાર્યકરો સ્તબ્ધ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં 'વ્યક્તિગત પસંદગી' અને 'પરિવારવાદ' હાવી થતા પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 10 એપ્રિલની મોડી રાત્રે યાદી બહાર પડતાની સાથે જ અનેક વોર્ડમાં નારાજગીનો લાવા ફૂટી નીકળ્યો છે. ખાસ કરીને પાલડી, રાણીપ અને બાપુનગર જેવા વોર્ડમાં વર્ષોથી કામ કરતા અને અનુભવી ચહેરાઓની બાદબાકી થતા કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢવાનું શરૂ કર્યું છે.
પાલડી વોર્ડમાં ભદ્ર પરિસરને દબાણ મુક્ત કરવા માટે રાત-દિવસ એક કરનાર પ્રીતીશ મહેતા જેવા સિનિયર નેતાની ટિકિટ કાપી નાખવામાં આવી છે. તેમના સ્થાને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ભત્રીજી ક્રિમી ગાંધીને ટિકિટ આપતા પક્ષમાં પરિવારવાદની ચર્ચાઓ તેજ બની છે. આવી જ રીતે બાપુનગરમાં લીગલ કમિટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રકાશ ગુર્જર અને રાણીપમાં સૌથી સક્રિય ગણાતા વિરલ વ્યાસની ટિકિટ કપાવા પાછળ ધારાસભ્યોનું લોબિંગ જવાબદાર હોવાનું મનાય છે.
અમરાઈવાડીમાં સ્લમ વિસ્તારના પ્રશ્નો ઉકેલતી મહિલા કોર્પોરેટર પ્રતિભા દુબેને પણ ધારાસભ્યના વિરોધને કારણે પડતા મૂકવામાં આવ્યા છે. વસ્ત્રાલમાં રેવન્યુ કમિટી દ્વારા ઐતિહાસિક આવક કરાવનાર અનિરુદ્ધસિંહ ઝાલા પાટીદાર ફેક્ટરના ભોગ બન્યા છે. બીજી તરફ, ખાડિયા અને થલતેજમાં પૂર્વ કોર્પોરેટરોએ પોતાના પત્નીઓ માટે ટિકિટ મેળવવામાં સફળતા મેળવી છે, જેણે પક્ષની 'કેડર બેઝ' ઈમેજ સામે સવાલ ઉભા કર્યા છે.
રાજકોટના રાજકારણમાં પણ આની અસરો જોવા મળી શકે છે, કારણ કે અમદાવાદમાં જે રીતે 'ગ્રાઉન્ડ રિપોર્ટ' ને બદલે 'લોબિંગ' ને મહત્વ અપાયું છે, તેનાથી નિષ્ઠાવાન કાર્યકરોમાં હતાશા છે. નરોડામાં સન્ની ખાનચંદાણી સામે ઉગ્ર વિરોધ હોવા છતાં તેમને રિપીટ કરવામાં આવ્યા છે, જે સૂચવે છે કે હાઈકમાન્ડ પર ધારાસભ્યોની પકડ મજબૂત રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ નારાજગી મતદાનના દિવસે ભાજપને કેટલી ભારે પડે છે.
કોણ ફાવ્યું અને કોણ રઝળ્યું?
| વોર્ડ | ટિકિટ કપાઈ (આઉટ) | ટિકિટ મળી (ઇન) | કારણ/લોબિંગ |
| પાલડી | પ્રીતીશ મહેતા | ક્રિમી ગાંધી | પૂર્વ ધારાસભ્યની ભત્રીજી |
| બાપુનગર | પ્રકાશ ગુર્જર | નવા ચહેરા | ધારાસભ્યનું લોબિંગ |
| રાણીપ | વિરલ વ્યાસ | નવા ચહેરા | આંતરિક વિરોધ |
| વસ્ત્રાલ | અનિરુદ્ધસિંહ ઝાલા | પરેશ પટેલ | પાટીદાર ફેક્ટર |
| ખાડિયા | - | હેતલબેન નાયક | પૂર્વ કોર્પોરેટરના પત્ની |
| થલતેજ | - | દેવળબેન પટેલ | પૂર્વ કોર્પોરેટરના પત્ની |