Loading Please Wait !!!
ગુજરાતમાં ભાજપનો સફળ પ્રયોગ: 250થી વધુ લઘુમતી ઉમેદવારો જીત્યા

 

  • કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કમાં મોટું ગાબડું, હવે રાષ્ટ્રીય સ્તરે અમલી બનશે આ મોડેલ

  • નગરપાલિકા અને પંચાયતોમાં મુસ્લિમ ઉમેદવારોનો વિજય, વિપક્ષના ગઢ ધરાશાયી થયા.

  • અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના લઘુમતી ઉમેદવારોનો દબદબો

    અમદાવાદ: ગુજરાત હંમેશા ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા રહ્યું છે, ત્યારે તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી કાર્ડ રમીને વિપક્ષોને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે વ્યુહાત્મક રીતે મહાનગરપાલિકાઓને બાદ કરતા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 250થી વધુ લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપનો આ 'રાષ્ટ્રવાદી લઘુમતી' પ્રયોગ સ્થાનિક સ્તરે અત્યંત સફળ રહ્યો છે અને અનેક બેઠકો પર લઘુમતી ઉમેદવારોએ કેસરીયો લહેરાવ્યો છે.

    અમદાવાદ જિલ્લામાં ભાજપે વિરમગામ, ધોળકા, બારેજા નગરપાલિકા તેમજ સાણંદ અને ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ રણનીતિ માત્ર અમદાવાદ પૂરતી સીમિત ન રહેતા વડોદરા જિલ્લામાં પણ જોવા મળી હતી. વડોદરામાં ડભોઈ, સાવલી પાલિકા સહિત કરજણ અને પાદરામાં કુલ 19 મુસ્લિમ ઉમેદવારોને ભાજપે તક આપી હતી. આ ઉમેદવારોની જીત સાથે ભાજપે એ સાબિત કરી દીધું છે કે લઘુમતી મતદારો હવે પરિવર્તન સ્વીકારી રહ્યા છે.

    રાજ્યભરના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે નગરપાલિકા અને પંચાયત સ્તરે કુલ 270થી વધુ લઘુમતી ઉમેદવારોની પસંદગી કરી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે અમદાવાદ, વડોદરા અને સુરત જેવી મહાનગરપાલિકાઓમાં એક પણ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી. ભાજપે પાયાના સ્તરે એટલે કે નગરપાલિકા અને તાલુકા સ્તરે જ આ પ્રયોગ કરવાનું મુનાસીબ માન્યું હતું, જે રણનીતિ પક્ષ માટે ફળદાયી સાબિત થઈ છે.

    ધોળકા, સિદ્ધપુર, શહેરા, ઉના, કડી, ઈડર, સિક્કા અને ભુજ જેવી મહત્ત્વની બેઠકો પર ભાજપે લઘુમતી ઉમેદવારોની આખી પેનલ મેદાનમાં ઉતારી હતી. આ વિસ્તારોમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો, પરંતુ ભાજપે 250થી વધુ મુસ્લિમ ઉમેદવારોને કેસરીયો ખેસ પહેરાવી ચૂંટણી લડાવતા કોંગ્રેસની વોટબેન્ક વેરવિખેર થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં લઘુમતી મતદારોએ ભાજપના વિકાસના એજન્ડાને સ્વીકારીને મતદાન કર્યું હોવાનું પરિણામો પરથી સ્પષ્ટ જણાય છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કમળ ખીલતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપનું આ 'ગુજરાત મોડેલ' હવે આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી શકે છે. લઘુમતીઓને સાથે રાખીને ચૂંટણી જીતવાની આ ફોર્મ્યુલાએ કોંગ્રેસ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. જે રીતે ગુજરાતમાં આ પ્રયોગ સફળ થયો છે, તેને જોતા ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપ વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી શકે છે.