Loading Please Wait !!!
આયુષ્માન ભારત યોજનામાં એક મોટો ફેરફાર! ૧૧૨ બીમારીઓના પેકેજ માત્ર સરકારી હોસ્પિટલમાં જ મળશે!

  • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી દ્વારા રાજ્યોને મોકલાયા નિર્દેશો!
  • આગામી પહેલી ડિસેમ્બરથી નવી યાદી થશે લાગુ!
  • ખાનગી હોસ્પિટલોના બદલે સરકારી સુવિધાઓ મજબૂત કરવાનો હેતુ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

દેશના લાખો નાગરિકોને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતી મહત્વની આયુષ્માન ભારત યોજના અંતર્ગત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના હેઠળ ૧૧૨ જેટલી મુખ્ય બીમારીઓના પેકેજ અને ઓપરેશનો ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA) દ્વારા અગાઉ ૨૩ પેકેજો સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા, અને હવે ૧ ડિસેમ્બર સુધીમાં અન્ય ૮૯ નવા પેકેજોને પણ તેમાં ઉમેરીને કુલ ૧૧૨ પેકેજો આરક્ષિત કરવા માટે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય ઓથોરિટીને સ્પષ્ટ દિશા-નિર્દેશો મોકલી દેવામાં આવ્યા છે.

આ નવી સૂચિ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરવામાં આવશે, જોકે કયા પેકેજો ખાનગી હોસ્પિટલોમાંથી સંપૂર્ણપણે હટાવવા કે નહીં તેનો આખરી અને અંતિમ નિર્ણય સંબંધિત રાજ્ય સરકારોના હાથમાં રહેશે.

આ આરક્ષિત પેકેજોમાં સ્ત્રી રોગ (ગાયનેકોલોજી), સામાન્ય શસ્ત્રક્રિયા, માનસિક રોગ, જનરલ મેડિસીન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા (ENT) અને નેત્ર રોગ વિભાગો સાથે જોડાયેલી હાઈ રિસ્ક ડિલિવરી, મોતિયાબિંદ, ફ્રેક્ચર અને મલેરિયા જેવી બીમારીઓની સારવારનો સમાવેશ થાય છે.

નિષ્ણાતોના મતે ખાનગી હોસ્પિટલો પર થતા જંગી ખર્ચને ઘટાડવા અને સરકારી હોસ્પિટલોનું માળખું વધુ મજબૂત કરીને દર્દીઓને સીધો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે અગાઉથી જ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં આ વ્યવસ્થા આંશિક રીતે કાર્યરત છે.

સરકારી આરોગ્ય સેવાનું સશક્તિકરણ અને જનકલ્યાણ

સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો વ્યાપ વધારવા અને દર્દીઓને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે. જ્યારે આયુષ્માન ભારત જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં મુખ્ય પેકેજોને સરકારી સંસ્થાઓ સાથે જોડવામાં આવે છે, ત્યારે જાહેર આરોગ્ય તંત્ર વધુ મજબૂત બને છે અને વચેટિયાઓ કે ઊંચા ખર્ચમાંથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળતી હોય છે.