બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીનો મોટો ઉછાળો!
- સોનું ૧,૩૬૨ રૂપિયા મોંઘું થઈને સર્વોચ્ચ સપાટી પર!
- ચાંદીના ભાવમાં ૧,૪૭૫ રૂપિયાનો વધારો નોંધાયો!
- ચાંદીની ચમક વધીને ૧.૮૦ લાખની સપાટી પાર!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશના વાયદા અને બુલિયન માર્કેટમાં આજે ફરી એકવાર તેજીનો જોરદાર માહોલ જોવા મળ્યો છે, જેના કારણે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે અને રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બજારના આંકડાઓ અનુસાર, ગઇકાલે ૧,૩૬,૨૨૫ રૂપિયાના સ્તરે બંધ થયેલું સોનું આજે કારોબાર દરમિયાન ઉછળીને ૧,૩૭,૫8૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ઊંચા સ્તરે પહોંચી ગયું છે, આમ એક જ દિવસમાં સોનામાં ૧,૩૬૨ રૂપિયાનો વધારો થયો છે.
સોનાની સાથેસાથે ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ચમક જોવા મળી છે, જ્યાં ૧,૪૭૫ રૂપિયાનો વધારો થતા ચાંદી ૧,૮૦,૧૯૯ રૂપિયા પ્રતિ કિલોની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સપાટીને પાર કરી ગઈ છે.
કારોબારની શરૂઆતમાં ચાંદી ૧,૭૯,૬૯૨ રૂપિયાના સ્તરે ખુલી હતી અને નીચામાં ૧,૭૮,૫૩૯ રૂપિયા સુધી ગયા બાદ ખરીદીનો મજબૂત ટેકો મળતા ભાવ ઊંચી સપાટીએ બંધ થયા હતા.
આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક સ્તરે વધતી લેવાલી તથા રોકાણકારોના આકર્ષણને કારણે કિંમતી ધાતુઓમાં આગામી દિવસોમાં પણ આ તેજીનું વલણ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
બુલિયન માર્કેટ અને કિંમતી ધાતુઓમાં રોકાણ
સોનું અને ચાંદી હંમેશાંથી રોકાણકારો માટે સૌથી સુરક્ષિત અને આકર્ષક વિકલ્પ માનવામાં આવે છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ, ચલણના ઉતર ચઢાવ અને બજારની માંગ વચ્ચે જ્યારે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી આવે છે, ત્યારે તે રોકાણકારોને મોટો નફો અપાવવાની સાથે બજારની સ્થિતિ પણ સ્પષ્ટ કરે છે.