Loading Please Wait !!!
અમદાવાદમાં ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો: આરોપીએ PSI પર છરીના ઘા ઝીંક્યા

  • ભાટ ગામ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા; અકસ્માત સર્જી ભાગવા જતા આરોપીની ધરપકડ
  • 25 લાખનું ડ્રગ્સ જપ્ત, ઇજાગ્રસ્ત પોલીસકર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • 300 ગ્રામ એમડી ડ્રગ્સ અને કાર સાથે એક શખ્સની ધરપકડ; મોડી રાત્રે ભાટમાં તણાવનો માહોલ

શહેરના ભાટ ગામ વિસ્તારમાં ગત મોડી રાત્રે એમડી ડ્રગ્સની રેડ કરવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હિંસક હુમલો થવાની ઘટના સામે આવી છે. ડ્રગ્સ લઈને જઈ રહેલા એક યુવકને પકડવા જતાં સર્જાયેલા હંગામામાં આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, પોલીસે જીવના જોખમે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ₹25 લાખની કિંમતનું 300 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.

ફિલ્મી ઢબે પીછો અને અકસ્માત ક્રાઇમ બ્રાન્ચને સચોટ બાતમી મળી હતી કે એક યુવક પોતાની કારમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ લઈને ભાટ ગામ વિસ્તારમાંથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ કાર ઊભી રાખવાને બદલે ભગાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસની કાર અને આરોપીની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

PSI પર જીવલેણ હુમલો અકસ્માત બાદ જેવી પોલીસની ટીમ આરોપીને પકડવા માટે તેની કાર પાસે પહોંચી, કે તુરંત જ આરોપીએ કારમાંથી ઉતરીને છરી કાઢી હતી. તેણે સ્થળ પર હાજર PSI પર છરીથી હુમલો કરી દીધો હતો, જેમાં પોલીસ અધિકારીને ઈજા પહોંચી હતી. જોકે, અન્ય પોલીસકર્મીઓએ સતર્કતા દાખવીને આરોપીને તાત્કાલિક દબોચી લીધો હતો.

લાખોનું ડ્રગ્સ કબજે પોલીસે ઝડપાયેલા આરોપીની કારની જડતી લેતા તેમાંથી અંદાજે 300 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹25 લાખથી વધુ હોવાનું મનાય છે. ઇજાગ્રસ્ત PSI ને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી ડ્રગ્સના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.