Loading Please Wait !!!
ચૂંટણી પ્રચારમાં નેતાઓનો ફજેતો: વાસણામાં ભાજપના મેહુલ શાહ અને લાંભામાં કાળુ ભરવાડને જનતાએ ખખડાવ્યા

 

  • વાસણા અને લાંભા વોર્ડમાં 15 એપ્રિલની રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોને જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો.

  • વાસણામાં ભાજપના ઉમેદવાર મેહુલ શાહને ગુપ્તાનગરના રહીશોએ ગંદા પાણી અને ગટરની સમસ્યા મુદ્દે ઘેર્યા હતા.

  • મેહુલ શાહ દ્વારા પ્રશ્નોની ગણતરી કરવા અને અકકડ બતાવતા મામલો બિચક્યો હતો અને તેમણે પ્રચાર અધૂરો મૂકવો પડ્યો હતો.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેતાઓ માટે જનતા વચ્ચે જવું હવે મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામોનો હિસાબ માંગતી જનતા હવે આક્રમક મૂડમાં છે. 15 એપ્રિલની રાત્રે શહેરના વાસણા અને લાંભા વોર્ડમાં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિક રહીશોએ ઉધડો લેતા, નેતાઓએ મતો માંગવાનું પડતું મૂકીને સ્થળ પરથી ભાગવું પડ્યું હતું.

    વાસણા વોર્ડના ગુપ્તાનગર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મેહુલ શાહ જ્યારે સમર્થકો સાથે પહોંચ્યા, ત્યારે મહિલાઓ અને યુવાનોએ તેમને ઘેરી લીધા હતા. રહીશોનો આક્ષેપ હતો કે છેલ્લા દોઢ મહિનાથી વિસ્તારમાં ગટરનું પ્રદૂષિત પાણી આવે છે અને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. એક યુવક જ્યારે સમસ્યાઓ ગણાવી રહ્યો હતો ત્યારે મેહુલ શાહે અકકડ સાથે કહ્યું હતું કે, "શાંતિથી બોલ મને સંભળાય છે," અને બાદમાં પ્રશ્નોની આંગળીના વેઢે ગણતરી કરવા લાગ્યા હતા. લોકોએ જ્યારે વર્ષોથી ગેરહાજર રહેવા બદલ સવાલો કર્યા, ત્યારે મેહુલ શાહ "લોકોમાં સાંભળવાની તાકાત નથી" તેમ કહીને ચાલતી પકડતા જોવા મળ્યા હતા.

    બીજી તરફ લાંભા વોર્ડમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ જ્યારે હિના પાર્ક વિસ્તારમાં પ્રચાર માટે ગયા ત્યારે લોકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ સાથે કહ્યું કે, "જ્યારે જરૂર હોય ત્યારે તમે ફોન ઉપાડતા નથી અને પાણીના ટેન્કર માટે પણ વલખાં મારવા પડે છે." રોષે ભરાયેલા લોકોના ટોળા સામે ટકી ન શકતા કાળુ ભરવાડને પણ પ્રચાર અધૂરો મૂકીને પરત ફરવું પડ્યું હતું.

    ચૂંટણી સમયે જનતાના આ આકરા વિરોધે રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાવી દીધો છે. જે રીતે મતદારો હવે પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર અને રસ્તાના મુદ્દે નેતાઓ સામે વીડિયો બનાવીને પોલ ખોલી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ પડકારજનક બનશે તે નક્કી છે.