ગુજરાતી કેરી હવે સાત સમુંદર પાર જશે: મહેસાણામાં આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણ
- ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીની મોટી જાહેરાત; અમેરિકા અને યુરોપના બજારોમાં ગુંજશે ગુજરાતનો સ્વાદ
- સીધી ખરીદીથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ગ્રાહકોને સસ્તી કેરી મળશે, સંઘાણીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
- મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષને ઘેર્યા; મહેસાણાના નવા પ્લાન્ટથી કૃષિ નિકાસમાં આવશે ક્રાંતિ
ગુજરાતના કૃષિ અને નિકાસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મહેસાણામાં અત્યાધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી ગુજરાતી કેરીનો સ્વાદ હવે વિદેશી બજારોમાં પણ માણવા મળશે. ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ હાઈટેક પ્લાન્ટનું લોકાર્પણ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
વૈશ્વિક બજાર પર નજર દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, આ પ્લાન્ટ મારફતે માત્ર કેરી જ નહીં પણ શાકભાજીની નિકાસ પણ અમેરિકા અને યુરોપ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવશે. આ માટે અગાઉથી જ વિદેશી માંગને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યો છે. આ સાથે જ આજથી ગુજકોમાસોલ ખાતે 'મેંગો ફેસ્ટિવલ'ની પણ શરૂઆત કરવામાં આવી છે. સંસ્થા ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદી કરશે, જેનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તેમજ ગ્રાહકોને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત કેરી મળશે.
રાજકીય નિવેદનોથી ગરમાવો કૃષિ વિકાસની વાતો વચ્ચે દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મહિલા અનામત બિલના મુદ્દે તેમણે કહ્યું કે, વિદેશી મૂળના લોકો ભારતની વાસ્તવિક પરિસ્થિતિ સમજી શકતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓને કારણે જ ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પણ તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી જનતાને એડવાન્સ અભિનંદન પાઠવ્યા હતા.