Loading Please Wait !!!
આઉટસોર્સિંગ કર્મીઓના પરસેવાની કમાણી પર તરાપ: ₹6 કરોડનું ‘લીવ ઓન કેશ’ કૌભાંડ

  • તાપી, દાહોદ અને ભાવનગરમાં ‘અલ્ટ્રા મોર્ડન’ એજન્સી સામે ગંભીર આક્ષેપો સાથે હોબાળો
  • ટેન્ડરની શરતોનો સરેઆમ ભંગ; રકમ રિકવર કરવાના આદેશ છતાં એજન્સી સામે કાર્યવાહી નહીં
  • વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મીઓના નાણાં પચાવી પાડનાર એજન્સી સામે પોલીસ ફરિયાદની માગ

સિટી ન્યુઝ @ તાપી : ગુજરાતના તાપી, દાહોદ અને ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના હકનાં નાણાંમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં ‘અલ્ટ્રા મોર્ડન’ એજન્સી પર કર્મચારીઓના ‘લીવ ઓન કેશ’ (રજાના બદલે રોકડ) ના નાણાં પચાવી પાડવાનો આરોપ લગાવાયો છે. મંચે માગ કરી છે કે આ એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવેમ્બર 2023 થી કાર્યરત આ એજન્સી વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓની ભરતીનું કામ સંભાળે છે. આરોપ છે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને કર્મચારીઓને મળવાપાત્ર લીવ ઓન કેશની રકમ ચૂકવવામાં આવી નથી. ગુજરાત જનતા જાગૃતિ મંચના દાવા મુજબ, તાપી જિલ્લામાં આશરે 1.32 કરોડ રૂપિયા, ભાવનગર જિલ્લામાં 1.72 કરોડ રૂપિયા અને દાહોદ જિલ્લામાં 2.83 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે. આમ, ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને અંદાજે 6 કરોડ રૂપિયાથી વધુની રકમની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે.

મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર ભ્રષ્ટાચાર વિરોધી હોવાના દાવા કરે છે, પરંતુ અહીં વાસ્તવિકતા અલગ છે. નાના કર્મચારીઓ જો સામાન્ય ભૂલ કરે તો પણ તેમની સામે તુરંત કાર્યવાહી થાય છે, જ્યારે કરોડો રૂપિયાની ગેરરીતિના પુરાવા હોવા છતાં આ એજન્સી સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ઉલટાનું, ટેન્ડર કમિટીઓએ રકમ રિકવરી માટે આદેશ કર્યા હોવા છતાં એજન્સીનો કોન્ટ્રાક્ટ વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે, જે સમગ્ર સિસ્ટમ સામે સવાલો ઉભા કરે છે.

ટેન્ડરની શરતો મુજબ, જો એજન્સી કર્મચારીઓને ઓછું વેતન ચૂકવે અથવા કોઈ ગેરરીતિ સાબિત થાય, તો કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કોન્ટ્રાક્ટ રદ કરવાની સ્પષ્ટ જોગવાઈ છે. આમ છતાં, જે-તે જિલ્લાના વિકાસ અધિકારીઓએ અત્યાર સુધી કોઈ કડક પગલાં લીધા નથી. રજૂઆતમાં એવો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલાક પ્રભાવશાળી રાજકીય સંબંધોને કારણે એજન્સી સામેની કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે.

આ કૌભાંડના આક્ષેપો બાદ આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સરકારી આરોગ્ય સુવિધાઓમાં રાત-દિવસ મહેનત કરતા કર્મચારીઓને તેમના હકનાં નાણાં ન મળતા હોવાની ફરિયાદ હવે છેક રાજ્ય સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચી છે. અત્યાર સુધી સરકારે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ જો યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં ગુજરાત જનતા જાગૃતિ મંચ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યું છે.