ઉત્તર સુદાનમાં સોનાની ખાણ પર ભીષણ હુમલો!
-
ઉત્તર સુદાનમાં સોનાની ખાણો પર હવાઈ હુમલો!
-
ભીષણ હવાઈ હુમલામાં 72 શ્રમિકોના મોત!
-
સોનાની ખાણ પર હુમલા પાછળ ઈજિપ્તનો હાથ?
સિટી ન્યુઝ @ ખાર્ટુમ
ઉત્તર સુદાનમાં સોનાની ખાણો પર થયેલા ભીષણ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 72 શ્રમિકોના દર્દનાક મોત થયા છે. સ્થાનિક માનવાધિકાર સંગઠન 'ઇમરજન્સી લોયર્સ' અનુસાર, આ હવાઈ હુમલામાં નાના પાયે સોનું ઉત્ખનન કરતા ગરીબ શ્રમિકો નિશાન બન્યા છે.
માનવાધિકાર સંસ્થાએ આ હવાઈ હુમલા માટે ઈજિપ્તની વાયુસેનાને જવાબદાર ઠેરવી છે. સંસ્થાનું કહેવું છે કે સરહદ પારથી કરવામાં આવેલો આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો સ્પષ્ટ અનાદર અને ઉલ્લંઘન છે, જોકે ઈજિપ્ત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા ભયાનક દ્રશ્યોમાં ખાણના કાટમાળ વચ્ચે અનેક મૃતદેહો વિખરાયેલા જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉત્તર સુદાનના આ વિસ્તારમાં બનેલી આ બીજી મોટી ગોઝારી ઘટના હોવાનું સામે આવ્યું છે.
સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળો વચ્ચે ચાલી રહેલા ભીષણ ગૃહયુદ્ધના કારણે લોકોની આજીવિકાના અન્ય સાધનો ઠપ થઈ ગયા છે. જેના પરિણામે અસ્થાયી રૂપે સોનાનું ઉત્ખનન કરતા શ્રમિકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે અને આ સોનું રોકડ કમાવવાનો મુખ્ય સ્ત્રોત બન્યો છે.
નિષ્ણાતોના મતે આ સોનાનો મોટો જથ્થો ઈજિપ્તમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરીને મોકલવામાં આવે છે. દેશમાં વધી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે ડ્રોન અને હવાઈ હુમલાઓ પ્રાથમિક હથિયાર બન્યા હોવાથી સામાન્ય નાગરિકોના મોટા પાયે મોત થઈ રહ્યા છે.
સોનાની ખાણો પર રક્તપાત
ઉત્તર સુદાનમાં સોનાની ખાણ પર થયેલા આડેધડ હવાઈ હુમલામાં 72 જેટલા ગરીબ શ્રમિકોના મોતની આ ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. ગૃહયુદ્ધ અને આર્થિક સંકટ વચ્ચે જીવના જોખમે કામ કરતા અસહાય મજૂરો માટે સોનું આજીવિકાનું સાધન બનવાને બદલે મોતનું સરનામું બની રહ્યું છે, જે માનવતા પર મોટો કલંક છે.