અમદાવાદમાં પાર્કિંગનો સામાન્ય વિવાદ હત્યામાં પલટાયો: યુવકનું કરુણ મોત
- માધવપુરામાં ચાર શખ્સોએ પાઈપ અને સળિયાથી હુમલો કરી મિથિલેશને પતાવી દીધો
- 'મારે ન્યાય જોઈએ' - દીકરાનો મૃતદેહ જોઈ માતાની આક્રંદભરી ચીસથી વાતાવરણ ગમગીન
- ઈન્દ્રજીત અને આકાશ પટેલ સહિતની ટોળકીએ બેલ્ટ-સળિયાથી યુવકનું ઢીમ ઢાળ્યું
અમદાવાદ | સિટી ન્યૂઝ : અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાહન પાર્કિંગ જેવી ક્ષુલ્લક બાબતે ચાર શખ્સોએ ભેગા મળીને મિથિલેશ ઉર્ફે મુન્નો નામના યુવકનું ઢીમ ઢાળી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે મૃતકના નાના ભાઈ સંદીપ મિશ્રાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ચાંદખેડામાં રહેતા સંદીપ મિશ્રા ગઈકાલે માધવપુરા માર્કેટમાં કામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન ત્યાં 108 એમ્બ્યુલન્સ આવતા અને લોકોની ભીડ જમા થતા તેઓ જોવા ગયા હતા. ત્યાં પહોંચતા જ સંદીપ સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેમનો મોટો ભાઈ મિથિલેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. 108ના કર્મચારીઓએ તપાસતા મિથિલેશને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મિથિલેશ અને બોલેરો પીકઅપ ડાલુ ચલાવતા આરોપીઓ વચ્ચે ટુ-વ્હીલર પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓ ઈન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદે ઉશ્કેરાઈને મિથિલેશ પર લોખંડના સળિયા, પાઈપ અને બેલ્ટ વડે ઘાતક હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે મિથિલેશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
દીકરાની હત્યાના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકના માતા રાજેશ્વરીબેને રડતા રડતા જણાવ્યું હતું કે, તેમનો દીકરો છેલ્લા ઘણા વર્ષોથી માર્કેટમાં મજૂરી કરીને પરિવારને મદદ કરતો હતો. તેમણે ન્યાયની માંગ કરતા કહ્યું કે, "મારા દીકરા સાથે જે થયું તેવું બીજા કોઈની સાથે ન થાય તે માટે પોલીસ આરોપીઓને કડકમાં કડક સજા અપાવે." માતાના આક્રંદથી હોસ્પિટલ અને માર્કેટ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માધવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી પુરાવા એકત્ર કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં ચારેય આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. સામાન્ય પાર્કિંગના વિવાદમાં એક મજૂર યુવકની જીંદગી છીનવાઈ જતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે.