Loading Please Wait !!!
ગાંધીનગરના અડાલજ રોડ પર ગમખ્વાર કાર અકસ્માત!

 

  • ગરબા રમીને પરત ફરતા ત્રણ યુવામિત્રોના મોત!

  • કાર ડિવાઈડર સાથે અથડાતા MBBSની છાત્રા સહિત 3નાં મોત!

  •  પૂરઝડપે દોડતી બેકાબૂ કાર પલટી ખાતા મોટી દુર્ઘટના!

સિટી ન્યુઝ @ ગાંધીનગર 

ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક દશેરાની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરમાં નવરાત્રિના ગરબા રમીને અમદાવાદ પરત ફરી રહેલા ચાર યુવામિત્રોની કાર અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં બે યુવકો અને બે યુવતીઓ સવાર હતા. વહેલી સવારે પૂરઝડપે જઈ રહેલી આ બેકાબૂ કાર અડાલજ રોડ પર મહારાજા હોટેલ પાસે પહોંચતા જ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડીને રોડ પર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીના ફૂરચા ઉડી ગયા હતા.

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર એક યુવક અને એક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી અને કારમાં ફસાયેલા અન્ય ઇજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક ગંભીર રીતે ઘાયલ યુવતીએ પણ દમ તોડી દેતા આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક વધીને 3 થયો છે, જ્યારે ચોથા યુવકની હાલત પણ અત્યંત નાજુક બનેલી છે. મૃતકો પૈકી 25 વર્ષીય આસ્થા મૂળ રાજકોટની વતની હતી અને અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

આ દુર્ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા અન્ય મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ શરૂ કરાઈ છે.

અતિ ઝડપ અને બેદરકારી: ખુશીનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાયો

નવરાત્રિ જેવા પવિત્ર અને ઉત્સાહના તહેવારમાં મોડી રાત્રિના ઉજવણી બાદ વહેલી સવારે થતી મુસાફરીમાં અતિ ઝડપ અને વાહન પર કાબૂ ગુમાવવો કેટલો ઘાતક સાબિત થઈ શકે છે, તેનું આ અકસ્માત એક જીવંત અને કરૂણ ઉદાહરણ છે. ભવિષ્યના ડૉક્ટર ગણાતી હોનહાર યુવતી સહિત ત્રણ યુવાન જીવોનું આ રીતે અકાળે ચાલ્યા જવું એ સમગ્ર સમાજ માટે ચિંતા અને લાલબતી સમાન કિસ્સો છે. વાહન ચલાવતી વખતે જાગરૂકતા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું જ પરિવાર અને જીવનની સુરક્ષાની ગેરંટી છે.