Loading Please Wait !!!
સેવા કે સત્તાનો ખેલ? ₹16,000 ના પગાર માટે કરોડપતિઓની કતાર, અમદાવાદ કોર્પોરેશનની 192 બેઠકો માટે 1553 દાવેદારો

 

  • પટ્ટાવાળા કરતા પણ ઓછો પગાર છતાં ઉમેદવારોમાં જબરદસ્ત ક્રેઝ; MBA અને CA પણ બનવા માંગે છે કાઉન્સિલર

  •  પગાર ₹12,500 અને ભથ્થા મળીને કુલ ₹16,000; નેતાઓ ક્યારેય નથી માંગતા વેતન વધારો, જાણો શું છે ગણિત

  •  મેયર અને સમિતિ ચેરમેનો પર સુવિધાઓનો વરસાદ; 5 વર્ષમાં લેપટોપ અને મોબાઈલ માટે મળે છે લાખોની લ્હાણી

    લોકશાહીમાં ચૂંટણી એ સેવાનું માધ્યમ છે તેવું નેતાઓ કહેતા હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આંકડા કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. કોર્પોરેશનની ૧૯૨ બેઠકો માટે આ વખતે કુલ ૧૫૫૩ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પદ માટેનું માસિક વેતન કોઈપણ ખાનગી કંપનીના પટ્ટાવાળા કે ચોકીદાર કરતા પણ ઓછું છે, છતાં સીએ, એમબીએ અને કરોડપતિ વેપારીઓ આ ખુરશી મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

    સમજો કાઉન્સિલરની ‘મામૂલી’ સેલેરી સ્લીપ સરકારી આંકડા મુજબ, એક મ્યુનિસિપલ કાઉન્સિલરને દર મહિને કુલ ₹૧૫,૫૦૦ થી ₹૧૬,૦૦૦ જેટલું વેતન મળે છે. જેમાં મૂળ પગાર ₹૧૨,૫૦૦ છે, જ્યારે સ્ટેશનરીના ₹૧,૫૦૦, મોબાઈલ બિલના ₹૫૦૦ અને મીટિંગ ભથ્થાના ₹૧,૫૦૦ નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૫ સુધી તો આ વેતન માત્ર ₹૮,૦૦૦ હતું. આટલા ઓછા વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ હોય છે, છતાં આજદિન સુધી કોઈ નેતાએ વેતન વધારવા માટે આંદોલન કે રજૂઆત કરી નથી.

    સુવિધાઓ અને ગ્રાન્ટનો દબદબો પગાર ઓછો હોવા છતાં પદ સાથે મળતી સુવિધાઓ આકર્ષક છે. મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ ૧૨ સમિતિઓના ચેરમેનને સરકારી કાર અને ડ્રાઈવરની સુવિધા મળે છે. મેયરને રહેવા માટે વૈભવી બંગલો પણ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત, દરેક કાઉન્સિલરને પાંચ વર્ષમાં મોબાઈલ માટે ₹૩૦,૦૦૦ અને લેપટોપ માટે ₹૧.૨૦ લાખની રકમ મળે છે. સૌથી મહત્વની બાબત પ્રજાના કામો માટે મળતી ₹૪૦ લાખની વાર્ષિક ગ્રાન્ટ છે, જેનો ઉપયોગ વોર્ડના વિકાસ માટે કરવાનો હોય છે.

    સેવા કે સૂચક કારણ? શિક્ષિત અને સંપન્ન ઉમેદવારો જ્યારે આ પદ માટે પડાપડી કરે છે ત્યારે જનતાના મનમાં સવાલ ઉઠે છે કે શું આ ખરેખર નિઃસ્વાર્થ સેવા છે? રાજકીય નિષ્ણાતો માને છે કે કાઉન્સિલરનું પદ એ સત્તાના સોપાનની પહેલી સીડી છે. વોર્ડ સ્તરે મળતો પાવર, સરકારી કોન્ટ્રાક્ટમાં પ્રભાવ અને રાજકીય કદ વધારવાની લાલચ ઉમેદવારોને આકર્ષે છે. લોકશાહીના આ ખેલમાં હવે જોવાનું એ રહેશે કે ૧૫૫૩ દાવેદારોમાંથી કોણ મેદાન મારે છે અને ખરેખર પ્રજાની કેટલી સેવા થાય છે.

    વિગત રકમ (રૂપિયામાં)
    મૂળ પગાર ૧૨,૫૦૦
    સ્ટેશનરી ભથ્થું ૧,૫૦૦
    મોબાઈલ બિલ ૫૦૦
    કમિટી/બોર્ડ મીટિંગ ભથ્થું ૧,૫૦૦
    કુલ માસિક વેતન ૧૬,૦૦૦ (અંદાજિત)