Loading Please Wait !!!
અમદાવાદ ભાજપનું લિસ્ટ જાહેર: દેવાંગ દાણી અને હિતેશ બારોટ રિપીટ, પણ અનેક દિગ્ગજોના પતા કપાયા!

160 માંથી માત્ર 37 પૂર્વ કોર્પોરેટરોને જ ફરી તક – પાલડીમાં જૈનિક વકીલ અને પ્રીતીશ મહેતા આઉટ

વિવાદિત નામો છેલ્લી ઘડીએ રદ – પરાગ નાઈક અને કરણ ભટ્ટની ટિકિટ કાપી નવા ઉમેદવાર મુકાયા

20 હજાર માલધારી વોટ હોવા છતાં એકપણ ઉમેદવાર નહીં – કોંગ્રેસ આ તક ઝડપવા તૈયાર

અમદાવાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે આખરે સસ્પેન્સનો અંત લાવી 192 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપે 'નો રિપીટ થીયરી' ની ઝલક બતાવી છે, કારણ કે 160 પૂર્વ કોર્પોરેટરોમાંથી માત્ર 37 ભાગ્યશાળીઓને જ ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિતેશ બારોટ અને દેવાંગ દાણી જેવા વગદાર નેતાઓ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે, પરંતુ પાલડી અને રાણીપ જેવા હાઈ-પ્રોફાઈલ વોર્ડમાં મોટા માથાઓની ટિકિટ કાપીને પક્ષે ચોંકાવી દીધા છે.

ટિકિટ વહેંચણીમાં સૌથી મોટો વિવાદ ગોતા વોર્ડને લઈને ઉભો થયો છે. ગોતામાં અંદાજે 20 હજાર જેટલા માલધારી મતદારો હોવા છતાં પક્ષે આ સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ આપી નથી. આ નિર્ણયને કારણે આજે 11 એપ્રિલ, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શહેર ભાજપ કાર્યાલય પર માલધારી સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળી શકે છે. જો ભાજપ આ નારાજગી દૂર નહીં કરે તો કોંગ્રેસ આ બેઠક પર માલધારી કાર્ડ રમીને બાજી પલટી શકે છે.

બીજી તરફ, ખોખરા અને મણિનગર જેવા વોર્ડમાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતા પક્ષે છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. પરાગ નાઈક અને કરણ ભટ્ટ જેવા નામો ફાઈનલ હોવા છતાં વિરોધના વંટોળને કારણે રદ કરી દેવાયા છે. સંગઠનના નેતાઓ પર વધુ ભરોસો મૂકીને જશુભાઈ ઠાકોર અને પ્રવીણ પટેલને ટિકિટ આપીને ભાજપે સત્તા ટકાવી રાખવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

રાજકોટની જેમ અમદાવાદમાં પણ ટિકિટ કપાતા અનેક જૂના જોગીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 'કમળ' ના નિશાન પર લડતા આ નવા અને જૂના ઉમેદવારો જનતાનો વિશ્વાસ કેટલો જીતી શકે છે. ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે.

યાદીના મુખ્ય ચહેરાઓ: કોણ ઇન, કોણ આઉટ?

વોર્ડ ઉમેદવાર (ટિકિટ મળી) સ્ટેટસ કોની ટિકિટ કપાઈ?
થલતેજ હિતેશ બારોટ રિપીટ -
અમરાઈવાડી દેવાંગ દાણી રિપીટ -
પાલડી (નવા ચહેરા) ફેરફાર જૈનિક વકીલ, પ્રીતીશ મહેતા
શાહીબાગ જશુભાઈ ઠાકોર નવો ચહેરો -
મણિનગર વિપુલ સેવક છેલ્લી ઘડીએ ઇન કરણ ભટ્ટ
રાણીપ (નવા ચહેરા) ફેરફાર વિરલ વ્યાસ