Loading Please Wait !!!
ભાવનગરમાં સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ઝડપાયું

  • 'ઓમ પ્લાસ્ટિક'ના પ્રોપ્રાઈટર દ્વારા મ્યુલ એકાઉન્ટથી નાણાં સગેવગે કરવાનો પર્દાફાશ
  • સમન્વય પોર્ટલની વિગતોને આધારે સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી
  • બેંક ખાતાનો ઉપયોગ કરી લાખો રૂપિયાના ફ્રોડને આપ્યો અંજામ

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર શહેરમાં સાયબર ક્રાઈમના એક આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. કેન્દ્રીય 'સમન્વય પોર્ટલ' પરથી મળેલી ગુપ્ત માહિતીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી હાથ ધરીને 'ઓમ પ્લાસ્ટિક'ના પ્રોપ્રાઈટર રાહુલ મનસુખભાઈ બોરીચા સામે ગુનો દાખલ કર્યો છે. આરોપીએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરીને દેશભરમાં થયેલા વિવિધ સાયબર ફ્રોડના નાણાં મેળવી તેને સગેવગે કરવાનું કામ કર્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભાવનગરના વાઘાવાડી રોડ પર સ્થિત IDBI બેંકમાં ખોલવામાં આવેલા ઓમ પ્લાસ્ટિકના કોર્પોરેટ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો થતા હતા. આ ખાતાના તાર દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી સાયબર ફ્રોડની કુલ ૮ અરજીઓ સાથે જોડાયેલા હતા. સાયબર ગુનેગારોએ કુલ રૂા. ૯૧,૬૪૪ જેટલી રકમ આરોપીના ખાતામાં જમા કરાવી હતી, જે બાદ આરોપીએ આ રકમને UPI, RTGS અને IMPS જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી સગેવગે કરી દીધી હતી.

સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપીએ જાણીજોઈને પોતાનું ખાતું સાયબર ગુનેગારોને વાપરવા માટે આપ્યું હતું, જેને ટેકનિકલ ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવામાં આવે છે. પોતાના ખાતાનો આવો ગેરકાયદે ઉપયોગ કરવા દેવો એ કાયદાકીય રીતે ગંભીર ગુનો છે. પોલીસે બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ વ્યવહારોના મજબૂત પુરાવા એકત્રિત કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

મ્યુલ એકાઉન્ટથી સાવધાન

સાયબર ગુનેગારો ઘણીવાર લાલચ આપીને અથવા કમિશન આપવાની વાતો કરીને સામાન્ય નાગરિકોના બેંક ખાતાનો ઉપયોગ 'મ્યુલ એકાઉન્ટ' તરીકે કરે છે. આવા ખાતામાં ગેરકાયદે નાણાંની લેવડ-દેવડ થાય છે, જેમાં સીધા ગુનેગારો નહીં પણ જેનું ખાતું હોય છે તે વ્યક્તિ ભરાઈ જાય છે. કોઈપણ અજાણી વ્યક્તિને પોતાનું બેંક ખાતું વાપરવા આપવું કે તેની વિગતો શેર કરવી એ મોટું જોખમ છે. આ આર્થિક ગુનામાં ખાતાધારક પણ એટલો જ જવાબદાર ગણાય છે, જેટલો મૂળ ગુનેગાર.