Loading Please Wait !!!
યુદ્ધે રાજકોટને ઝંઝોડી નાંખ્યું કારખાનાઓ ઠપ્પ થવાના આરે !

=> ઓર્ડર ગાયબ, ખર્ચ આસમાને, રાજકોટના ઉદ્યોગકારો સંકટમાં ફસાયા
=> ત્રણ શિફ્ટની જગ્યાએ માત્ર એક શિફ્ટમાં કરવામાં આવ્યું છે પ્રોડક્શન
=> મજૂરોની મોટી તંગી, પ્રોડક્શન ઘટના અડધી, ફેક્ટરીઓ બંધ જેવી સ્થિતિમાં
=> યુદ્ધના માહોલથી નિકાસ બંધ, ઓર્ડર કેન્સલ... ઉદ્યોગ જગત પર સંકટના વાદળો છવાયા !

સિટી ન્યૂઝ@રાજકોટ

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની સીધી ભયાનક અસર રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ પર પડવા લાગી છે. મંદીના અજગરે રાજકોટના ગૌરવ સમાન ઉદ્યોગોને ભરડામાં લીધા છે, જેના કારણે અંદાજે ૧૧,૦૦૦ થી ૧૨,૦૦૦ જેટલા નાના-મોટા કારખાનાઓ બંધ થવાની અણી પર આવી ગયા છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ઓર્ડર ગાયબ થઈ જતાં ઉદ્યોગકારો ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રાત-દિવસ ધમધમતા કારખાનાઓ અત્યારે શાંત પડી ગયા છે. જે ફેક્ટરીઓમાં અગાઉ ૩ શિફ્ટમાં ચોવીસ કલાક ઉત્પાદન ચાલતું હતું, ત્યાં હવે માત્ર ૧ શિફ્ટમાં કામ માંડ ચાલી રહ્યું છે. ઓર્ડરના અભાવે ઉત્પાદન ક્ષમતા નહિવત થઈ ગઈ છે અને અડધાથી વધુ ફેક્ટરીઓ કાયમી તાળાબંધી તરફ આગળ વધી રહી છે, જે સ્થાનિક રોજગારી માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

વૈશ્વિક કટોકટીના પગલે દરિયાઈ માર્ગે માલ મોકલવાના ભાડામાં અચાનક ૧૦ ગણો તોતિંગ વધારો ઝીંકાયો છે. કન્ટેનરના ભાવો આસમાને પહોંચતા નિકાસકારો માટે એક્સપોર્ટ કરવું અશક્ય બન્યું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલ સહિતના કાચા માલના ભાવો વધવાને કારણે ઉદ્યોગકારોએ વિદેશી ગ્રાહકો સાથેના જૂના ઓર્ડર્સ પણ રિવાઇઝ કે કેન્સલ કરવાની ફરજ પડી રહી છે.

આ આર્થિક સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર લોકડાઉન થવાની વહેતી થયેલી ખોટી અફવાઓએ પડ્યા પર પાટું માર્યું છે. વતન જવા માટે આતુર હજારો પરપ્રાંતિય મજૂરોએ અચાનક રાજકોટથી પલાયન શરૂ કરી દીધું છે. કારખાનાઓમાં મજૂરોની તીવ્ર તંગી સર્જાતા જે થોડા-ઘણા ઓર્ડર્સ હાથ પર છે, તેનું ઉત્પાદન પૂરું કરવું પણ ઉદ્યોગકારો માટે લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.

=> યુદ્ધ + ડીઝલ અછત=વિનાશ ! રાજકોટમાં ટ્રાન્સપોર્ટો તબાહ ?

50% ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ, રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને શું કહ્યું....

અમેરિકા-ઈરાન યુદ્ધથી હોર્મુઝ સ્ટ્રેટથી થતો ક્રૂડ સપ્લાય ખોરવાતા દેશમાં ઈંધણ કટોકટી ઘેરી બની છે. ડોલર સામે રૂપિયાના ધોવાણ વચ્ચે સરકારે પેટ્રોલ-ડીઝલમાં સરેરાશ ૪ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ આર્થિક ફટકા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણ ભાંગી પડવાના આરે આવી ગયો છે.

પંપ પર રાશનિંગ: રાજકોટમાં 50% ટ્રકોના પૈડાં થંભ્યા

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુ ભગદેવના જણાવ્યા મુજબ, પંપો પર માત્ર ૫૦ થી ૧૦૦ લિટર ડીઝલનું રાશનિંગ શરૂ કરાતા ભારે વાહનો માંડ ૧૫૦ થી ૨૦૦ કિલોમીટર ચાલી શકે છે. આગળ ઈંધણ મળવાની ગેરંટી ન હોવાથી ટ્રાન્સપોર્ટરો નવી ટ્રીપ સ્વીકારતા અચકાઈ રહ્યા છે. રાજકોટના પ૦૦૦ કોમર્શિયલ વાહનોમાંથી આશરે પ૦% વાહનો હાલ ઓફ-રોડ થઈ ગયા છે. સેક્રેટરી પરમરાજસિંહ રાણાના મતે, વર્ષ ૨૦૨૬ દરમિયાન એક્સપોર્ટ કરાયેલા ઈંધણના જથ્થા પર રોક લગાવવાથી જ સ્થાનિક કટોકટી હળવી થઈ શકે તેમ છે.

કચ્છ : 1 જૂનથી હડતાળ અને પોર્ટ બંધની ચેતવણી

અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસાણ આહીરે તાકીદના સરકારી ઉકેલની માંગ કરી છે. સૌથી ગંભીર પરિસ્થિતિ કચ્છમાં છે, જ્યાં ૨ દિવસમાં સપ્લાય સામાન્ય નહીં થાય તો ૧ જૂન ૨૦૨૬ થી તમામ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવાશે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ ચેતવણી આપી કે જો સરકારી તંત્ર અને ઓઈલ કંપનીઓ (IOC, BPCL, HPCL) ત્વરિત ઉકેલ નહીં લાવે, તો કચ્છના તમામ પોર્ટ પર ટ્રકો મારફતે થતું લોડિંગ-અનલોડિંગ સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવાશે.

MSME અને એન્જિ. ઉદ્યોગો પર બેવડો પ્રહાર

પરિવહન ખોરવાતા કાચા માલના સપ્લાયના અભાવે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ પર બેવડો પ્રહાર થયો છે. એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીએ જણાવ્યું કે મંદીનો સામનો કરી રહેલા ૧૧૦૦૦ થી ૧૨૦૦૦ ઉદ્યોગો કટોકટીમાં મુકાયા છે. કન્ટેનર દીઠ નૂર ભાડું ૩૦૦ ડોલરથી વધીને ૩૦૦૦ થી ૩૫૦૦ ડોલર થતાં અને મેટલના ભાવો વધતા કારખાનાઓમાં ૩ શિફ્ટને બદલે માંડ ૧ શિફ્ટમાં ઉત્પાદન થાય છે. સાથે જ, લોકડાઉનની અફવાઓથી ડરીને પરપ્રાંતિય મજૂરો પણ વતન પલાયન કરી રહ્યા છે.