ઊંચી આયાત જકાતથી સોનાની દાણચોરી વધી ગઈ
-
સોનુ અગાઉ કરતા અઢાર ટકાથી વધુ મોંઘું થયું
-
હુંડીયામણ બચાવવામાં આયાત ઘટાડો મદદરૂપ સાબિત થઈ શકે
-
ગોલ્ડ ઈટીએફમાં લોકો દ્વારા રોકાણ વધારવામાં આવ્યું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ઈરાનની કટોકટી વચ્ચે ભારતમાં ક્રુડતેલના વધેલા ભાવ, સતત ગગડતા રૂપિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવોમાં થયેલા તોતિંગ ઉછાળાના કારણે આયાત ખર્ચ સતત વધી રહ્યો છે. પરિણામે સરકારે સોનાની આયાતને અંકુશમાં લેવા માટે આયાત જકાત વધારીને 15 ટકા કરી દીધી છે, જેની સીધી અસર દેશના બજાર અને અર્થવ્યવસ્થા પર પડી રહી છે.
આ સ્થિતિ પર ટિપ્પણી કરતા કોટક ઈન્સ્ટીટ્યુશનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં સોનાની આયાત ઘટવી એ 'ગુડ, બેડ અને અગ્લી' જેવી સ્થિતિ સમાન છે. સોનાની આયાતમાં ઘટાડો થવાથી દેશને વિદેશી હુંડીયામણ બચાવવામાં ચોક્કસપણે મદદ મળી શકે છે, પરંતુ તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અન્ય ક્ષેત્રો માટે ચિંતાજનક બની છે.
રિપોર્ટ અનુસાર, ઊંચી આયાત જકાતના કારણે દેશમાં સોનાની દાણચોરીમાં મોટો વધારો થયો છે, જેનાથી સરકારની ટેક્સ આવકને મોટો ફટકો પડી રહ્યો છે. હાલમાં સોનાની ખરીદી ઘટી છે તે એક કામચલાવ તબક્કો છે કારણ કે લોકો ડ્યુટી ઘટે તેની રાહ જોઈ રહ્યા છે અથવા તો દાણચોરીના માર્ગે આવતા સસ્તા સોના તરફ વળી રહ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં સોનાની આયાત 17.5 બિલિયન નોંધાઈ છે, જે ગત વર્ષે 16.9 બિલિયન હતી. આયાત ડ્યુટી 6 ટકાથી વધીને 15 ટકા થવા અને જીએસટી ઉમેરાતા સોનું અગાઉ કરતા 18.2 ટકા મોંઘું થઈ ગયું છે, જેના કારણે લોકો હવે ગોલ્ડ ઈટીએફ જેવા વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઘરેલુ સોનાની માંગ કાયમ માટે નીચી રહે તો તે અર્થવ્યવસ્થા માટે સારું છે, પરંતુ જકાત ઘટતાની સાથે જ ખરીદી ફરી ઉછળશે. સૌથી મોટો ખતરો અનઓફિશિયલ ચેનલથી વધી રહેલી દાણચોરીનો છે, જે સરકારી રાજસ્વને નુકસાન પહોંચાડી રહી છે અને બજારમાં અસંતુલન પેદા કરી રહી છે.
આર્થિક નીતિઓ અને કાળા નાણાનો પ્રસાર
દેશમાં આયાત જકાત કે ટેક્સના દર અતિશય ઊંચા કરવાથી ઘણીવાર કાયદેસરનો વેપાર ઘટે છે અને ગેરકાયદેસર દાણચોરીને પ્રોત્સાહન મળે છે. સરકારે પારદર્શક અને વ્યાજબી કર માળખું અપનાવવું જોઈએ જેથી વેપારીઓ અને નાગરિકો કાયદાકીય માર્ગે જ વ્યવહારો કરે અને દેશની આર્થિક સુરક્ષા તેમજ રાજસ્વ અકબંધ જળવાઈ રહે.