સતત 24 કલાક 651 લોકોના હેર કટ કરી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
=> રાજકોટના યુવાન રવિ રાઠોડની અનોખી સિદ્ધિ
સિટી ન્યૂઝ@રાજકોટ
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવત રાજકોટના એક યુવાને સાર્થક કરી બતાવી છે. સતત 21 વર્ષથી હેર કટિંગના વ્યવસાય સાથે જોડાયેલા રવિ રાઠોડે છેલ્લા 3 મહિનાની અથાગ મહેનત બાદ આખરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે સતત 24 કલાક સુધી કામ કરીને 651 લોકોના હેર કટ કરી વિશ્વસ્તરે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, મિત્રો અને ગ્રાહકો દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.
રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે 'RD સલૂન એન્ડ એકેડેમી' ચલાવતા 38 વર્ષીય રવિ રાઠોડે કંઈક નવું અને મોટું કરવાની નેમ સાથે આ પડકાર ઝીલ્યો હતો. અગાઉ 2024માં દક્ષિણ આફ્રિકાના આન્દ્રે ગ્રોઇનવલ્ડ નામના યુવાને 24 કલાકમાં 543 લોકોના હેર કટ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. રવિ રાઠોડે આ આંકડાને ખૂબ પાછળ રાખીને 651 હેર કટ સાથે આ નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે હાસલ કરી લીધો છે.
પોતાના સપનાને સાકાર કરવા અંગે વાત કરતા રવિ રાઠોડે જણાવ્યું કે, રાજકોટના કાલાવડ રોડ સ્થિત હોટલ MTV ખાતે 20 મે 2026ના રોજ સવારે 6 વાગ્યાથી આ રેકોર્ડ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે 21 મે ના રોજ સવારે 6 વાગ્યા સુધી સતત 24 કલાક ચાલી હતી. આશ્ચર્યજનક રીતે, તેમણે સરેરાશ 1 થી 2 મિનિટના ટૂંકા સમયગાળામાં 1 હેર કટ પૂર્ણ કર્યો હતો. આ ભગીરથ કાર્યમાં તેમના સલૂનના 10 લોકોના સ્ટાફ અને મિત્ર વર્તુળનો પૂરો સહયોગ મળ્યો હતો. રેકોર્ડ માટે કડક નિયમોનું પાલન કરાયું હતું. પ્રથમ હેર કટ કરાવનાર વ્યક્તિનું ફોર્મ ભરી, તેના વાળની લંબાઈ આગળ, પાછળ અને બાજુથી માપવામાં આવી હતી અને કટિંગ બાદ ફરીથી માપ લેવાયું હતું. તમામ પ્રક્રિયાનું 24 કલાકનું વીડિયો રેકોર્ડિંગ અને 'બીફોર-આફ્ટર' ફોટોગ્રાફ્સના પુરાવા ગિનિસ બુકની ટીમને સોંપવામાં આવ્યા છે.
પોતાના જીવનના સંઘર્ષ અંગે રવિ રાઠોડે જણાવ્યું કે, ધોરણ 12 પાસ કર્યા બાદ તેઓ આ વ્યવસાયમાં જોડાયા હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શરૂઆત એક નાની કેબીનથી કરી હતી. તેઓ દરરોજ 7 કિલોમીટર દૂરથી સાયકલ ચલાવીને કેબીને આવતા અને રાત્રે પરત જતા. અથાગ પરિશ્રમને કારણે ધીમે ધીમે ભાડાની દુકાન અને ત્યારબાદ પોતાની માલિકીની દુકાન ખરીદી, જે આજે એક વિશાળ ફેમિલી સલૂનમાં ફેરવાઈ ગઈ છે. રવિ રાઠોડે ગર્વ સાથે જણાવ્યું કે તેઓ વાળંદ સમાજમાંથી આવે છે અને તેમને પોતાના કામ પ્રત્યે ભારે ધગશ છે. આગામી સમયમાં રાજકોટમાં એક અદ્યતન હેર એકેડેમી શરૂ કરવાનો તેમનો ધ્યેય છે, જેથી સૌરાષ્ટ્રના યુવાનોને આ કળા શીખવા માટે મુંબઈ કે દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે.