હંતા વાયરસ પર WHO એલર્ટ : શું ફરી મહામારીનો ખતરો?
- WHOએ 12 દેશોને એલર્ટ કર્યા, ક્રૂઝ શિપમાં 3નાં મોત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : આર્જેન્ટિનાથી રવાના થયેલા ડચ ક્રૂઝ જહાજ 'MV Hondius'માં ફેલાયેલા હંતાવાયરસના પ્રકોપે વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જહાજ પરના ઘણા મુસાફરો ગંભીર રીતે બીમાર પડ્યા હતા, જેમાંથી ત્રણના જીવ ગયા છે. તેને લઇને, આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ગુરુવારે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પુષ્ટિ આપી કે અત્યાર સુધીમાં જહાજ સાથે જોડાયેલા આઠ કેસ સામે આવ્યા છે ; આમાંથી 5 કેસમાં હંતાવાયરસની પુષ્ટિ થઈ છે , જ્યારે 3 શંકાસ્પદ છે. આ મુસાફરોમાંથી 3ના જીવ ગયા છે, જેના કારણે આ બીમારી અંગે ગંભીર વૈશ્વિક ચિંતાઓ ઉભી થઈ છે. નોંધનીય છે કે હંતાવાયરસ ઉંદરો દ્વારા ફેલાય છે.
તે ઉંદરો સાથે સીધા સંપર્ક દ્વારા અથવા તેમના લાળ, પેશાબ અને મળ દ્વારા ફેલાય છે. હંતા વાયરસ અંગે મીડિયા બ્રીફિંગ દરમિયાનવિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વડાએ સ્પષ્ટતા કરી કે આ ન તો કોઈ નવો વાયરસ છે અને ન તો તે COVID-19 જેવી મહામારીની પરિસ્થિતિ છે. આ કોરોનાવાયરસ નથી; આ કોઈ મહામારી નથી. આ એવી પરિસ્થિતિ નથી જે 6 વર્ષ પહેલાં COVID-19 દરમિયાન દુનિયાએ
જોઈ હતી.
આ સાથે જ, WHOએ 12 દેશોને સત્તાવાર રીતે ચેતવણીઓ આપી છે જેમના નાગરિકો સેન્ટ હેલેના ખાતે ક્રૂઝ શિપમાંથી ઉતર્યા હતા. આ દેશોમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, જર્મની, નેધરલેન્ડ, સ્વિટ્ઝલર્ૅન્ડ, સિંગાપોર અને તુર્કીનો સમાવેશ થાય છે. જોકે, રાહત આપનારી બાબત એ છે કે ક્રૂઝ શિપ પર સવાર અન્ય કોઈપણ મુસાફરોમાં હાલમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
WHOએ શું કહ્યું?
WHO અનુસાર હંતા વાયરસ COVID જેવી મહામારી નથી. મોટાભાગના સ્ટ્રેન માણસથી માણસમાં ફેલાતા નથી, છતાં સાવચેતીરૂપે 12 દેશોને એલર્ટ કરાયા છે.
હંતા વાયરસ શું છે?
હંતા વાયરસ મુખ્યત્વે ઉંદરના લાળ, પેશાબ અને મળ દ્વારા ફેલાય છે. શરૂઆતમાં સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે, પરંતુ બાદમાં શ્વાસ લેવામાં ગંભીર તકલીફ સર્જાઈ શકે છે.
હંતા વાયરસ કેવી રીતે ફેલાય?
હંતા વાયરસ મુખ્યત્વે ઉંદરના પેશાબ, લાળ અને મળના સંપર્કથી ફેલાય છે. સંક્રમિત જગ્યાની ધૂળ શ્વાસમાં જવાથી પણ ચેપ લાગી શકે છે. WHO મુજબ મોટા ભાગના કેસોમાં માણસથી માણસમાં ચેપ
ફેલાતો નથી.
હંતા વાયરસથી કેવી રીતે બચશો?
ઘર અને આસપાસ સફાઈ રાખો, ઉંદરોથી દૂર રહો અને બંધ જગ્યાઓ સાફ કરતી વખતે માસ્ક-ગ્લોવ્સનો ઉપયોગ કરો. તાવ, શરીરમાં દુખાવો કે શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તરત તબીબી સારવાર લો.