Loading Please Wait !!!
વીમા કંપનીને ગ્રાહક ફોરમની લપડાક વ્યાજ સાથે ક્લેઈમ ચૂકવવા આદેશ

  • ગો ડિજિટ ઇન્સ્યોરન્સે 'ઇનફર્ટીલિટી' નું ખોટું કારણ ધરી ક્લેઈમ નકાર્યો હતો
  • આયોગે કંપનીના બચાવને ખોટો, ભૂલભરેલો અને સેવામાં ખામી સમાન ગણાવ્યો
  • સારવારના 95,936 રૂપિયા અને 5000 વધારાનો ખર્ચ ચૂકવવા કડક આદેશ કરાયો


સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં ગ્રાહકોના વીમા ક્લેઈમ નકારવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ 1 અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. 'પ્રીમિયમ ઉઘરાવ્યા પછી હાથ ઊંચા કરી દેવાની વીમા કંપનીની નીતિ નહીં ચાલે' તેવો સ્પષ્ટ સંદેશ આપતા ગ્રાહક ફોરમે ફરિયાદીને સારવારની રકમ વ્યાજ સાથે ચૂકવવાનો કડક આદેશ કર્યો છે. આ કેસની વિગતો મુજબ, રાજકોટના કોમલ રાઠોડે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 6,00,000 રૂપિયાનું વીમા કવચ લીધું હતું. કોમલ રાઠોડે ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે 29 માર્ચ 2024 થી 31 માર્ચ 2024 સુધી સારવાર લીધી હતી. આ ઓપરેશન અને સારવારનો કુલ ખર્ચ 95,936 રૂપિયા થયો હતો. પરંતુ ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ 23 મે 2024 ના રોજ 1 પત્ર મોકલીને એવું કારણ દર્શાવીને ક્લેઈમ ચૂકવવાનો ઈનકાર કરી દીધો હતો કે આ સારવાર 'ઇનફર્ટીલિટી' ની છે.

ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના આ મનસ્વી નિર્ણય સામે ગ્રાહક ફોરમે કડક નોંધ લીધી હતી. ફોરમે દર્શાવ્યું હતું કે ફરિયાદીના ડોક્ટર દ્વારા 10 એપ્રિલ 2024 અને 29 મે 2024 ના રોજ લેખિત સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું કે આ સારવાર ઇનફર્ટિલિટી સ્વરૂપની બિલકુલ નથી. મેડિકલ સાયન્સના સ્પષ્ટ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આયોગે નોંધ્યું છે કે, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો આ બચાવ તદ્દન ખોટો, ભૂલભરેલો અને સેવામાં ખામી સમાન છે. આ કેસમાં આયોગના પ્રમુખ પી.સી. રાવલ અને સભ્ય એમ.એસ. ભટ્ટ દ્વારા તાજેતરમાં 5 માર્ચ 2026 ના રોજ ગ્રાહકની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.

ગ્રાહક આયોગે ગો ડિજિટ કંપનીને કડક આદેશ કર્યો છે કે, તેઓએ ફરિયાદીને સારવાર ખર્ચના 95,936 રૂપિયા ફરિયાદ દાખલ કર્યાની તારીખ 21 નવેમ્બર 2024 થી 6 ટકાના વ્યાજ સાથે 2 માસમાં ચૂકવી આપવાના રહેશે. ઉપરાંત એવી સ્પષ્ટતા પણ કરી છે કે જો કંપની 2 માસમાં આ રકમ નહીં ચૂકવે તો તેઓએ 9 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે. ફોરમે માનસિક ત્રાસ અને ફરિયાદના ખર્ચ પેટે વધારાના 5,000 રૂપિયા પણ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી રમા માવાણી, રામજી માવાણી, એડવોકેટ મનોજ કોટડિયા તથા એડવોકેટ કિરીટ માવદિયા રોકાયેલા હતા.