Loading Please Wait !!!
વિદેશી દારૂનું નેટવર્ક વધારવા માટે પણ નામી બુટલેગરો નશાકારક ટેબ્લેટના રવાડે

=> ભરૂડી ટોલનાકા પાસે ફોરચ્યુનર કારમાંથી ટ્રામાડોલ ટેબ્લેટ અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

=> સેલવાસમાંથી દારૂ ભરીને જેતપુર સપ્લાય કરવા નીકળેલા બુટલેગર સહીત બે શખ્સોની ધરપકડ 

=> રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી અને એલસીબી ટીમના સયુંકત દરોડાના પ્રથમ કેસમાં એનડીપીએસ સાથે પ્રોહીબીશનની કલમો ઉમેરાઈ 

=> રૂ.7.56 લાખની નશાકારક ટેબ્લેટ, 93 બોટલ વિદેશી દારૂ, ફોર્ચ્યુન કાર 15 લાખ, એક મોબિલ મળી કુલ રૂ.23.67 લાખનો મુદામાલ જપ્ત

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર અને જીલ્લાના રાજમાર્ગો પર ભાંગની ગોળીઓ, ગાંજો, દેશી દારુ અને વિદેશી દારૂ, ડ્રગસ જેવા કેફી દ્રવ્યોનો નશો કરીને કાર અને ભારે વાહનો ચલવનાર ડ્રાઈવરોની સંખ્યામાં ધરખમ વધારો થતા અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.ત્યારે  રાજકોટ- જેતપુર હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે રૂરલ એસઓજી અને એલસીબીની ટીમે સંયુક્ત દરોડો પાડી નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટનું સેવન કરી કારમાં જેતપુર દારૂ સપ્લાય કરવાં જતો બુટલેગર સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતાં. આ બનાવમાં વલસાડનો શખ્સ સેલવાસથી દારૂ ભરી રાજકોટ આવ્યો અને રતનપરના શખ્સને સાથે લઈ જેતપુર દારૂ સપ્લાય કરવાં જતાં હતા તે પહેલાં જ દબોચાયા હતાં. રૂ.7.56 લાખની નશાકારક ટેબ્લેટ, 93 બોટલ દારૂ સહિત રૂ.23.67 લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી કરી હતી.

દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા "SAY NO TO DRUGS મુહિમ અંતર્ગત નશાકારક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી તથા દારૂના દુષણને નાબુદ કરવા અર્થે અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી રૂરલ એલસીબી અને એસઓજી શાખાની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરૂડી ટોલનાકા પાસે આવેલ નિલકંઠ કોમ્પલેક્ષના આગળના ભાગે જાહેર રોડ ઉપર ફોરચ્યુનર ગાડીમાં બે શખ્સ નશાકારક ટેબલેટ તથા ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ઉભેલ હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી કાર ચાલક કિરણ ચીમન પટેલ (રહે. ઉદવાડા મહાવીર કોમ્પલેક્ષ ઓરવાડ, સારંગ રોડ, પારડી,વલસાડ)  અને સાથેના વૈભવ નારણ બાબરીયા (રહે.રતનપર, રાજકોટ) ની અટક કરી તપાસ આદરી હતી.પોલીસની ટીમે કિરણ પટેલની તપાસ કરતાં તેના ખિસ્સામાંથી નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ મળી આવી હતી અને કારમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી રૂ.7.56 લાખની 94.5 ગ્રામ નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ, દારૂની 93 બોટલ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.23.67 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની પૂછતાછ આદરી હતી.

ઊંઘ ન આવે અને થાક ન લાગે તે માટે બુટલેગર ટેબ્લેટનું સેવન કરતો 

બુટલેગર કિરણ  પટેલને ફોરચ્યુનર ગાડીમા સેલવાસ ખાનવેલ ખાતેથી રાહુલ વિઠ્ઠલ બારત (રહે.ખેડીગામ સેલવાસ) એ ઇંગ્લીશ દારૂ ભરી પોતાના કોન્ટેકટ વાળા રાજકોટના જીતુભાઈના કહેવાથી જેતપુર સપ્લાય કરવાનો હતો. જેથી પોતે રાજકોટ આવેલ અને રતનપરથી પોતાના મિત્ર વૈભવ બાબરીયાને ઇંગ્લીશ દારૂનો જથ્થો જેતપુર પહોંચાડવા માટે સાથે આવવા 1000 આપી સાથે લીધેલ હતો.તેમજ પોતાની પાસેથી મળી આવેલ નશાકારક ટેબ્લેટ પોતે ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ અહીં સુધી નાખવા માટે આવતો હોય જેથી થાક ન લાગે કે ઉંઘ ન આવે તે માટે પોતે આ ટેબલેટનુ સેવન કરતો હોવાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ કિરણ પટેલ વિરુદ્ધ અગાઉ પણ દારૂના અનેક ગુના નોંધાયેલ છે.

પ્રતિબંધિત દવાનો 1 કિલોનો ભાવ 80 લાખ રૂપિયા 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત દવાઓનો સરકારી ચોપડે 80 લાખ કિમંત છે.આરોપી કિરણ પટેલ પાસેથી મળેલી નશાકારક ટ્રામાડ્રોલ અને હાઈડ્રોકલોરાઈડ ટેબ્લેટનું વજન ૯૪.૫ ગ્રામ છે. આ ટેબ્લેટ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર ખરીદી શકાતી નથી. આ દવાનો ઉપયોગ બુટલેગર કિરણ પટેલ દારૂની ખેપ મારવા સમયે ઊંઘ ન આવે અને થાક ન લાગે તે માટે કરતો હતો. આ પ્રતિબંધ દવા બદલ એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરાયો છે. આ દવાનું વેચાણ કરનાર મેડીકલ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે.