વેરાવળમાં દીપડો ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી ગયો
=> પરિવારની નજર સામે બની ઘટના
=> 60 ફૂટ દૂરથી લોહીલુહાણ હાલતમાં મળી આવી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
સિટી ન્યૂઝ@ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા તાતીવેલા ગામની સીમમાં દીપડો એક પરિવારની નજર સામે જ તેમની ત્રણ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી ગયો. જોકે, પરિવારજનોએ તાત્કાલિક ભારે બૂમરાણ મચાવતાં દીપડો બાળકીને આશરે ૫૦ મીટર દૂર છોડીને અંધારામાં નાસી છૂટ્યો. લોહીલુહાણ હાલતમાં બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.આ ઘટના શનિવારે રાત્રે લગભગ ૧ વાગ્યાના અરસામાં બની હતી. વેરાવળની ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા શેબાઝ ખોખર તેમના પરિવારના આશરે ૧૦ સભ્યો સાથે તાતીવેલા ગામ નજીક રહેતા પોતાના સંબંધી સત્તાર ઇબ્રાહીમ સવાણીની વાડીએ પિકનિક મનાવવા માટે રોકાયા હતા.
આ દરમિયાન તેમની ત્રણ વર્ષની દીકરી અલ્ફા શેબાઝ ખોખર તેની માતા સાથે બહાર હતી. તે જ સમયે અચાનક ઝાડીમાંથી એક દીપડો ત્રાટક્યો અને બાળકીને મોઢામાં પકડીને ભાગવા લાગ્યો.દીપડો દીકરીને ખેંચી જતો જોઈને પરિવારજનોએ હોબાળો અને બૂમબૂમ કરી મૂકતા દીપડો બાળકીને પડતી મૂકીને જંગલ તરફ ભાગી ગયો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડો ફરીથી કોઈના પર હુમલો ન કરે તે માટે ૪ પાંજરા ગોઠવી દીધા છે.