Loading Please Wait !!!
જામનગરમાં નોન-વેજની પેઢીઓ પર ફોર્ડ શાખાના દરોડા!

ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવતા તંત્ર હરકતમાં!
લાયસન્સ વગર ચાલતી ત્રણ દુકાનો બંધ કરાવાઈ!
બિરયાની તથા નોન-વેજ વાનગીઓના સેમ્પલ લેબમાં મોકલાયા!

સિટી ન્યુઝ @ જામનગર : જામનગર શહેરમાં તાજેતરમાં ચિકન ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગના કિસ્સાઓ સામે આવતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સક્રિય થઈ છે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નોન-વેજની પેઢીઓ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે.

મહાનગરપાલિકાની ટીમે બેડેશ્વર અને રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલી નોન-વેજ ખાણી-પીણીની દુકાનો પર સરપ્રાઈઝ દરોડા પાડીને FSSAI ના નિયમો અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરી હતી.

તપાસ દરમિયાન માન્ય લાયસન્સ વગર ચાલતી સ્ટાર ચિકન શોપને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી, જ્યારે ભારે અસ્વચ્છતાના કારણે 'ફેમસ ગાઝી ચાઇનીઝ ચિકન' અને 'નશીબ ફિશ' જેવી દુકાનોનું કામકાજ પણ આગળનો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ અપાયો હતો.

કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી અખાદ્ય રાઈસનો નાશ કરવામાં આવ્યો હતો અને ગુણવત્તાની ખાતરી કરવા માટે ચિકન બિરયાની, ચાઇનીઝ ચિકન, ફ્રાઇડ ફિશ તથા રોસ્ટેડ ચિકનના નમૂના મેળવીને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનાર સામે ભવિષ્યમાં પણ આવા જ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે.

જન આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાની અનિવાર્યતા

કોઈપણ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવી એ સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારીઓ બંનેની નૈતિક જવાબદારી છે. જામનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ જાગેલી મહાનગરપાલિકાની આ લાલ આંખ દર્શાવે છે કે જ્યારે વ્યાપારી હિતો પાછળ સ્વાસ્થ્યની ઉપેક્ષા થવા લાગે, ત્યારે તંત્રની સક્રિયતા કેટલી જરૂરી બની જાય છે. ગ્રાહકોના જીવન સાથે ખિલવાડ કરતા આવા બેજવાબદાર એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી અને નિયમિત ઓડિટથી જ ખાદ્ય સુરક્ષાના ધોરણોને અકબંધ રાખી શકાશે.