આર્થિક મંદીના ભણકારા વચ્ચે રાજકોટમાં વેપારીનો આપઘાત
=> સાધુ વાસવાણી રોડ પર કપડાંની દુકાન ન ચાલતી હોવાથી જીવન ટૂંકાવ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
એક તરફ દેશભરમાં મોંઘવારી વધી રહી છે અને આર્થિક મંદી હાહાકાર મચાવી રહી છે આવી સ્થિતિમાં આર્થિક મંદીમાં સપડાયેલા યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે સાધુ વાસવાણી રોડ પર આવેલ નીલકમલ પાર્કમાં રહેતા વેપારી યુવાને 3 મહિનાથી કપડાંની દુકાનમાં ધંધો ચાલતો ન હોવાથી ગત રાત્રે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા કલ્પેશભાઈ નારણભાઈ કોરીંગા ઉ.34એ રાત્રે ગળાફાંસો ખાઈ લેતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા પરિવારની પૂછતાછ કરતા એવું જાણવા મળ્યું હતું કે આપઘાત કરી લેનાર કલ્પેશ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તે પુષ્કરધામ રોડ ઉપર કપડાની દુકાન ચલાવતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ધંધામાં ખૂબ જ મંદી ચાલતી હતી. જેથી તે ચિંતામાં મુકાયો હતો અને આ કારણે તેણે પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.
મેટોડામાં પતિ અને પ્રેમિકાના ત્રાસથી પરિણીતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં એક કરુણ અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 35 વર્ષીય ભાગ્યશ્રીબેન બગડાએ પોતાના પતિના અનૈતિક સંબંધો અને સતત થતા ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. 14 વર્ષના લગ્નજીવન બાદ પણ પતિ જયેશ બગડા જામનગરની નીતાબેન ચમાર સાથેના પ્રેમસંબંધમાં અંધ બનીને પોતાની પત્ની અને બે નાનાં બાળકોને અધવચ્ચે છોડી ગયો હતો. પીડિતાની ફરિયાદ મુજબ, પતિ જયેશ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપીને છૂટાછેડાની માંગણી કરતો હતો. "તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી અને હું નીતાને મૂકીશ નહીં" તેવા અપમાનજનક શબ્દો કહી તે છેલ્લા 25 દિવસથી ઘર છોડી પ્રેમિકા સાથે રહેવા જતો રહ્યો હતો. પતિના આ ક્રૂર વ્યવહાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને ચિંતિત ભાગ્યશ્રીબેન માનસિક રીતે ભાંગી પડ્યા હતા. અંતે, ઘરે એકલી હોય ત્યારે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. હાલ ગંભીર હાલતમાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.