વસ્તી ગણતરી : 1 જૂન થી શરૂ થશે કામગીરી, પોર્ટલ પર વિગતો ભરવા જિલ્લા કલેક્ટરની અપીલ
સિટી ન્યૂઝ@રાજકોટ
૧ જૂન ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે. આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર-જિલ્લામાં ૬,૫૧૦ ગણતરીદારો અને ૧,૧૦૦ સુપરવાઈઝર્સ મળીને કુલ ૭,૬૧૦ સભ્યોની ટીમ વસ્તી ગણતરીની કામગીરી કરશે. રાજ્યમાં વસ્તી ગણતરી માટે સ્વ-ગણના પોર્ટલ કાર્યરત થઈ ગયું છે. ૩૧ મે, ૨૦૨૬ સુધી નાગરિકો સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર નામ, મોબાઇલ નંબર અને ઓટીપી દાખલ કરીને જાતે જ વિગતો ભરી શકશે. આ પોર્ટલ પર પોતાના ઘરની સ્થિતિ, મિલકતો વગેરેની વિગતો ભરવાની રહેશે. વિગતો ભર્યા પછી અંગ્રેજી અક્ષર ‘H’ થી શરૂ થતો ૧૧ અંકોનો એક કોડ (SE ID) મળશે, જે ગણતરીદાર જ્યારે ઘરે આવે ત્યારે આપવાનો રહેશે. કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે, OTP કે અન્ય કોઈ દસ્તાવેજો કોઈની સાથે શેર ન કરવા અને ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરવો. તેમણે ખાતરી આપી છે કે, વસ્તી ગણતરી અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી માટે ૭,૬૧૦ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્ય તથા નગરપાલિકાઓમાં ૩,૪૭૬ અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪,૧૩૪ સ્ટાફનો સમાવેશ થાય છે. આ તકે નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુછાર, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેન્સસ ઓફિસર સુશીલ પરમાર, અને નોડલ ઓફિસર સમીર રાવલ ઉપસ્થિત રહ્યા હતા.