કરણીસેના દ્વારા વલ્લભીપુરના વિજેતા ક્ષત્રિય ઉમેદવારોનું સન્માન
સિટી ન્યૂઝ@વલ્લભીપુર
વલ્લભીપુર ખાતે ક્ષત્રિય કરણીસેના દ્વારા ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડાના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમારોહમાં વલ્લભીપુર તાલુકા પંચાયત અને નગરપાલિકાના ૬ વિજેતાઓને સન્માનિત કરાયા હતા. જેમાં લાખણકા બેઠકના સુનિલસિંહ ચાવડા (ભાજપ), ખેતાટીંબીના ઉદેસંગ સોલંકી (અપક્ષ), ઈટાળીયા બેઠકના નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ આશાબા હાડા (અપક્ષ), કાનપરના હરપાલસિંહ મોરી તેમજ નગરપાલિકાના વિશ્વરાજસિંહ પરમાર (ભાજપ) અને ગોપીરાજસિંહ વેગડનો સમાવેશ થાય છે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જયદિપસિંહ હાડાને મા ભવાનીના પ્રતીક સમાન સિરોહી તલવાર અર્પણ કરી વિશેષ સન્માન અપાયું હતું. અન્ય તમામ વિજેતાઓને પણ શાલ, શિલ્ડ અને ફૂલહાર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે કરણીસેનાના જિલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા, તાલુકા અધ્યક્ષ રૂપિરાજસિંહ મોરી, શહેર અધ્યક્ષ હરીસિંહ ખેર, શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ અને રાષ્ટ્રીય મીડિયા પ્રભારી વિજયસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનસેવા માટે નવી ઊર્જા અને પ્રોત્સાહન મળ્યું છે.