વલ્લભીપુર તાલુકા પંચાયતમાં નવો ઈતિહાસ, અપક્ષનું શાસન
=> 'પાના' ના ચિહ્ન પર જીતેલા 10 અપક્ષ સદસ્યોએ સંગઠન બનાવી સત્તા કબજે કરી
સિટી ન્યૂઝ@ભાવનગર
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક ઐતિહાસિક અને અનોખું રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. કોઈ પણ મોટા રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષના પીઠબળ વિના, સ્થાનિક સ્તરે 'પાના' (Spanner) ના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડીને જીતેલા ૧૦ અપક્ષ સદસ્યોએ એકજૂથ થઈને તાલુકા પંચાયત પર સ્પષ્ટ બહુમતી સાથે કબજો મેળવ્યો છે. આ જીત લોકશાહીમાં સ્થાનિક પ્રતિનિધિઓ પરના પ્રજાના અતૂટ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વલ્લભીપુર તાલુકાના રાજકીય ઈતિહાસમાં આ ઘટના અત્યંત નોંધપાત્ર છે. અગાઉ છેક વર્ષ ૧૯૮૭માં ઘેલકા નારસંગ અપક્ષ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમણે સુકાન સંભાળ્યું હતું. હવે, દાયકાઓ બાદ ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે અને પંચાયતનું શાસન ફરીથી અપક્ષોના હાથમાં આવ્યું છે, જેણે મોટા રાજકીય પક્ષોના વર્ચસ્વને મોટો ફટકો પહોંચાડ્યો છે.
વલ્લભીપુર તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ OBC (સ્ત્રી) માટે અનામત હોવાથી, ૧૦ અપક્ષ સદસ્યોના સમર્થનથી આશા જયદીપ હાડાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ભરતસિંહ ગોહિલની વરણીને સાથી સદસ્યોએ બહાલી આપી છે.
પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ આશા હાડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમની સમગ્ર ટીમ તાલુકાના વિકાસને વેગ આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આગામી સમયમાં વલ્લભીપુર તાલુકાના અટકેલા વિકાસ કાર્યોને એક નવી ઊંચાઈ પર લઈ જવામાં આવશે. તેમણે જનતાને ખાતરી આપી હતી કે, મોટા પક્ષોની જેમ રાજકારણ રમવાને બદલે, તેઓ રાજકારણથી પર થઈને માત્ર ને માત્ર વિકાસના કાર્યો કરી તાલુકાની જનતાને વિકાસની ભેટ આપશે.