વડોદરામાં પીકઅપ વાન સાથે ઈકો અથડાતાં 3 બાળકો સામે પિતા જીવતા સળગ્યા
સિટી ન્યૂઝ@ વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીકઅપ વાહનની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓમાં કારચાલક જીવતો સળગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં કારચાલક પોતાની માતા, પત્ની અને બાળકો સામે જ જીવતો સળગતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા નજીક ગઈકાલે(૯ જૂન) સાંજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગળ જઈ રહેલી પીકઅપ વાનની પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ઈકો કારમાં તુરંત આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.