ઉપલેટામાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર બેલડીનો છરીથી હુમલો
=> બચાવવા પડેલા ભાઈ-પિતાને પણ ઇજા : યુવતીના ભાઈ સહીત બે સામે ગુનો
સિટી ન્યૂઝ@રાજકોટ
ઉપલેટામાં પ્રેમ સંબંધ મામલે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતાં તેને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇ અને પિતાને પણ મારફૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેયને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે હુમલાખોર યુવતીના ભાઈ સહીત બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપલેટામાં ખાટકીવાળા ધરાર કોલોનીમાં ફૈઝેનુરી એપાર્ટમેન્ટમાં રહેતા રેનિશ ઉર્ફે રેનીયો હુશેનભાઇ પઠાણ ઉ.30એ ઉપલેટામાં રહેતા મોહસીન દિલાવર હીંગોરા અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે સાંજના તે બજારમાં બેસવા નીકળ્યો હતો પંકજ વેરાયટી સામેની ગલીમાં આરીફભાઇની દુકાન પાસે પહોંચતા પાછળથી મોહસીન અને તેનો મિત્ર બાઇક લઇને આવ્યા હતાં.
તેણે યુવાન કંઇ સમજે તે પૂર્વે નેફામાંથી છરી કાઢી મારવા લાગ્યો હતો હાથ આડો રાખતા હાથમાં છરી વડે ચરકા કર્યા હતાં અને માથાના પાછળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો યુવાને બુમાબુમ કરતા તેના પિતા હુશેનભાઇ તથા તેનો ભાઇ વસીમ આવી જતા આ બંને શખસોએ તેને પણ માર માર્યો હતો. દરમિયાન અહીં લોકો એકઠા થઇ જતા બંને હુમલાખોરો ભાગી ગયા હતાં જતા જતા ધમકી આપી હતી કે, ફરી ભેગો થા એટલે જાનથી મારી નાખીશ બાદમાં ઘવાયેલા યુવાન સહીત ત્રણેયે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી વધુઅમ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેને મોહસીનની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જેનો ખાર રાખી મોહસીન અને તેના મિત્રએ મળી તેના પર હુમલો કર્યો હતો ઉપલેટા પોલીસે બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
જેતપુરમાં પ્રૌઢને માર મારી રેપ કેસની ધમકી
ઘરમાં ઘૂસીને પ્રૌઢ સાથે કરી હિંસક હાથાપાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં પુત્રના સાળા સહિતના સાસરિયાઓએ ઘરમાં ઘૂસી પ્રૌઢને બેફામ માર મારી ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ રોડ પર આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા અને આશીષ ટ્રેડર્સ નામે કરિયાણાની દુકાન ચલાવતા હરેશ પ્રતાપ આસનાણી (51 વર્ષ) એ કચ્છના આદિપુરના ભારત ગોવિંદ સેજવાણી, તુલસી રામ સેજવાણી અને તેમની સાથે આવેલા 1 ડ્રાઈવર વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, હરેશના પુત્ર આશીષના લગ્ન 10/05/2024 ના રોજ આદિપુરના ગોવિંદ સેજવાણીની પુત્રી ભૂમિકા સાથે થયા હતા. લગ્ન બાદ ભૂમિકા અવારનવાર નાની વાતોમાં ઝઘડો કરતી હતી. ડિસેમ્બર 2024 માં તેણી પિયર ગઈ હતી અને ફેબ્રુઆરી 2025 માં આશીષ તેને પરત લાવ્યો હતો, પરંતુ ઘરકંકાસ ચાલુ જ રહ્યો હતો. અંતે બંનેની સહમતિથી 03/05/2025 ના રોજ આશીષ પત્ની ભૂમિકાને પિયર મૂકી આવ્યો હતો.
દરમિયાન, 13 મે ના રોજ બપોરે ભૂમિકા તેની માતા લક્ષ્મી, ભાઈ ભારત, કાકા તુલસી, લીગલ એડવાઈઝર જયા અને 1 ડ્રાઈવર સાથે હરેશના ઘરે કાર લઈને સામાન લેવા આવ્યા હતા. તે સમયે આશીષ બહારગામ હોવાથી હરેશના પત્ની નીશાએ ફોન કરીને હરેશને ઘરે બોલાવ્યા હતા.
હરેશે ઘરે આવીને પૂછ્યું કે, "આપણે સમાધાનની વાત ચાલુ છે અને કોર્ટનો કોઈ ઓર્ડર નથી તો તમે સામાન કેમ લઈ જાઓ છો?" આ સાંભળીને ભારત, તુલસી અને તેમનો ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે હરેશ સાથે ઉગ્ર ગાળાગાળી કરી, બેફામ માર માર્યો અને "તમને ખોટા રેપ કેસમાં ફસાવી દઈશું" તેવી ધમકી આપી હતી. જેતપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.