દીકરીનો જન્મ-દહેજ અંગે ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ
- માવતરેથી રોકડા લાવવાનું કહી સાસુ-સસરા કોન્ટ્રાક્ટર પતિને છાવરતા
- પતિ ઇન્સ્ટાગ્રામમાં અન્ય મહિલા સાથે વાતો કરતો
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં મવડી રોડ પર ધર્મજીવન સોસાયટીમાં માવતરના ઘેર રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ,શિક્ષક સાસુ સસરા અને નણંદ દહેજના મામલે ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધર્મજીવન સોસાયટીમાં માવતરના ઘેર રહેતા પ્રગતિબેન દીપભાઈ પટેલ એ પતિ દીપ,શિક્ષક સસરા વિષ્ણુ ગોવિંદભાઈ પટેલ,શિક્ષિકા સાસુ નયના પટેલ,નણંદ માર્ગી અને દાદાજી સસરા ગોવિંદ વેલજીભાઈ પટેલ સામે ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવ્યું કે પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૨૦માં દીપ પટેલ સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરી પણ છે. પ્રગતિબેનના સસરા વિષ્ણુભાઈ ગોવિંદભાઈ પટેલ અને સાસુ નયનાબેન બંને સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય તેમ છતાં દીકરીના જન્મથી લઈને ઘરકામ બાબતે તેઓ સતત માનસિક ત્રાસ આપતા હતા લગ્નના પ્રથમ વર્ષથી જ નાની-નાની બાબતોમાં પતિ દ્વારા મારપીટ કરવામાં આવતી હતી. સાસુ-સસરા પણ અવારનવાર “તું કમાવા જા” કહી મહેણાં-ટોણાં મારતા હતા. તેમજ સાસુએ પિયરમાંથી સોનાનો સેટ લાવવા તેમજ પિયર પક્ષ તરફથી રોકડા રૂપિયા લાવવા માટે સતત દબાણ કર્યું હતું. સગર્ભા દરમિયાન પણ પરિણીતાને પૂરતી તબીબી સારવાર મેળવવા દેવામાં આવી ન હતી અને ઘરમાં અવારનવાર વાસણો પછાડી ઝઘડા કરવામાં આવતા હતા.
તેમજ પતિ દીપ અન્ય સ્ત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ અને મેસેજ દ્વારા વાતચીત કરતો હોય જેની જાણ થતા તેને વાત કરતા ઝઘડો કરી પતિ અને સાસુ-સસરાએ ઉશ્કેરાઈને પરિણીતાને ગંભીર માર માર્યો હતો અને પિયર મોકલી હતી બાદમાં વારંવાર કહેવા છતાં સહિતનાઓએ સંબંધ રાખવાનો ઇનકાર કરતા મહિલા પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઈ પલ્લાચાર્યએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
- રાજકોટની બેલડી સામે ગુનો: પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી
- શાપરમાં કારખાનામાંથી બે કર્મીઓએ કરી 50 લાખના સ્કેપની ચોરી
શાપરમાં આવેલ રાજન ટેક્નોકાસ્ટ નામના કારખાનાના સ્ટોર રૂમમાંથી ૫૦ લાખની કિંમતનો સ્ક્રેપ રાજકોટ રહેતા બે કર્મચારીઓ વિપુલ મોહન જાનડર અને નિતેશ હરેન્દ્ર ઠાકુર ચોરી કરી ગયાની શાપર પોલીસ મથકમાં અરજી આધારે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. શાપર રહેતા કંપનીના મેનેજર ક્ષશાંત ખુંટએ ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની કંપની ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ બનાવી અને તેનું સીએનસી મશીનીંગ કરી વેંચાણ કરે છે. કંપનીમાં ૩૦૦ માણસો કામ કરે છે. સીએનસી મશીનમાં વપરાતા ટંગસ્ટન ધાતુના ઇન્સર્ટ ટૂલનો અંદાજે એક હજાર કિલોગ્રામ જેટલો જથ્થો સ્ટોર રૂમમાં રાખ્યો હતો ગઈ તા.૧૦મીએ આ જથ્થો વેચવાનો હોવાથી સ્ટોર રૂમમાં તપાસ કરતા ગાયબ મળ્યો હતો. જેથી કંપનીના માલિક દુષ્યંતભાઈ પટેલને જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા કંપનીમાં કામ કરતાં બંને આરોપીઓ ગઈ તા.૩ના રોજ સવારે સફેદ કલરના બાઇકમાં આ જથ્થો લઈ જતાં દેખાયા હતા. પરિણામે આ અંગે શાપર પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે તપાસ કરી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.