Loading Please Wait !!!
સુમુલ ડેરીના પ્રમુખ બન્યા પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને ઉપપ્રમુખ તરીકે ભરત સોલંકી

 

  • લાંબા સમયની ખેંચતાણ બાદ બે વખતની બેઠકો પછી આખરે હોદ્દેદારોની થઈ વરણી

  • સોનગઢના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સરકારના પૂર્વ મંત્રીને સોંપાઈ કમાન

  • સુમુલ ડેરી સાથે જોડાયેલા 78 ટકા જેટલા પશુપાલકો આદિવાસી સમાજના છે

સિટી ન્યુઝ @ સુરત 

સુરત સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની લાંબા સમયથી ઘોંચમાં પડેલી વરણી આખરે પૂર્ણ થઈ ગઈ છે. ડેરીના પ્રમુખ તરીકે અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને સોનગઢના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ ગામિતની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે. બે-બે વખત મીટીંગ યોજવા છતાં ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ અને અહમની લડાઈનો ગણેશ વિસર્જનના દિવસે અંત આવ્યો છે.

આ નિર્ણય પાછળ રાજકીય સમીકરણો પણ મહત્વના રહ્યા છે, કારણ કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા ભાજપે આ મોટો દાવ ખેલ્યો છે. સુમુલ ડેરી સાથે જોડાયેલા 78 ટકા જેટલા પશુપાલકો આદિવાસી સમાજના છે, અને આ વિશાળ વોટબેંક તથા તેમના હિતોને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થાની કમાન એક કદાવર આદિવાસી નેતાને સોંપવામાં આવી છે.

ગત 17 જુલાઈના રોજ જાહેર થયેલા સુમુલ ડેરીના વ્યવસ્થાપક સભ્યોના પરિણામોમાં 16 માંથી 15 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો હતો, પરંતુ હોદ્દેદારોની નિમણૂકમાં ભારે ખેંચતાણ થવાથી 17 જુલાઈથી 25 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રમુખની વરણી મુલતવી રાખવી પડી હતી. આખરે આ લાંબી મડાગાંઠનો અંત આવતા સહકારી માળખાની સાથે સાથે રાજકીય સમીકરણો પણ સફળતાપૂર્વક સચવાયા છે.

ઐતિહાસિક દ્રષ્ટિએ વાત કરીએ તો, આણંદના વેલાસણ ગામથી સુરત આવેલા સુમુલના પ્રથમ ચેરમેન આશાભાઈ શંકરભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી 22 ઓગસ્ટ 1951 ના રોજ સુમુલ ડેરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમણે માત્ર 12 ભેંસ સાથે વ્યવસાય શરૂ કરી દૂધવાળા એસોસિએશનની સ્થાપના કરી હતી, જ્યાંથી ખેડૂતોને યોગ્ય ભાવ અપાવીને આર્થિક ઉત્થાનનું મોટું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

તારીખ 3 ફેબ્રુઆરી 1968 ના રોજ સ્વામી યોગીજી મહારાજે આ સંસ્થાને 'સુમુલ' નામ આપ્યું હતું, જેનો અર્થ 'સુ-યોગ્ય મૂલ્ય' થાય છે. શરૂઆતથી જ કર્મનિષ્ઠ વહીવટના પરિણામે અગાઉ કરોડોનો વેપાર કરતી આ સંસ્થાનું ટર્નઓવર આજે 10 હજાર કરોડ રૂપિયાના જંગી આંકડા સુધી પહોંચી ગયું છે, જે દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનીને સહકારી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે.

સહકારી ક્ષેત્ર અને વિકાસયાત્રા

સહકારી સંસ્થાઓના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને પશુપાલકોને તેમના શ્રમનું યોગ્ય મૂલ્ય અપાવવું એ પ્રાદેશિક સમૃદ્ધિની પાયાની જરૂરિયાત છે.