Loading Please Wait !!!
ડીઝલ ખત્તમનું સંકટ, ટ્રાન્સપોર્ટ ઠપ્પ ?

=>  સૌરાષ્ટ્ર કટોકટી; ટ્રકોને પૂરતું ડીઝલ નથી મળતું કલાકો સુધી રાહ જોવી પડે

=>  ગુજરાતના ટ્રક ઓપરેટરોએ કહ્યું, લોન ભરવી મૂશ્કેલ પડશે

સિટી ન્યૂઝ @ રાજકોટ

કચ્છના ડમ્પર ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ શિવજી આહિરે જણાવ્યું કે, "કચ્છમાં ઓછામાં ઓછા ૭૦ હજાર લોકો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર આધારિત છે. તેમાં ટ્રક ઓપરેટરોથી લઈને પેટ્રોલ પંપ સંચાલકો, ડ્રાઈવરો, મિકેનિક્સ વગેરે સામેલ છે.", "છેલ્લાં બે અઠવાડિયાંથી ડીઝલની જે રીતે અછત જોવા મળે છે તેના કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અમે સરકારને ઘણી રજૂઆતો કરી, પરંતુ તેનો કોઈ ઉકેલ મળ્યો નથી." ટ્રાન્સપોર્ટર જયદીપ ગઢવીએ કહ્યું કે "આવી સ્થિતિમાં જેમણે લોન પર ટ્રક ખરીદી હોય તેમની હાલત ખરાબ થઈ જાય છે. ટ્રક ઊભી રહે તે પોસાય નહીં અને ડીઝલ ન મળે તો આ ધંધો જ બંધ કરવો પડે. "તેમણે કહ્યું કે "બે-ત્રણ મહિનાથી ધંધામાં નરમાઈ ચાલે છે, ઉદ્યોગો પાસે પણ કામ ઘટી ગયું છે અને મજૂરો પોતાના વતન જતા રહ્યા છે. તેવામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે આ નવો ફટકો છે."

ડીઝલ અછતથી ખેડૂતો પર સંકટ દ્વારકામાં ડીઝલ માટે ટ્રેક્ટરોની લાંબી લાઈનો

દ્વારકા જિલ્લામાં ચોમાસા પૂર્વેના ખેતીકામ દરમિયાન ડીઝલની અછત સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ખંભાળિયા, કલ્યાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર અને અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક ખેડૂતો મોડી રાત સુધી ડીઝલ માટે રાહ જોતા જોવા મળ્યા હતા. પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે કે ચોમાસા પહેલાનું ખેતીકામ વિલંબિત થઈ શકે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલનો પુરવઠો નિયમિત રીતે મળતો નથી.

વીરપુરમાં ડીઝલ નથી ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકમાં ખેડૂતો હાલ ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એક તરફ ચોમાસુ અને વાવણીનો સમય એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે ખેતીના કામો માટે અત્યંત જરૂરી એવા ડીઝલની અછત ઉભી થતા જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. આજના સમયમાં આધુનિક ખેતી સંપૂર્ણપણે યંત્રો પર નિર્ભર છે. ખેતરમાં ટ્રેક્ટર, રોટાવેટર, ઓરણી અને અન્ય ભારે સાધનોના ઉપયોગ માટે ડીઝલ અનિવાર્ય છે. પરંતુ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના તમામ કાર્યો ખોરવાઈ ગયા છે. ખેડૂતોની મુખ્ય સમસ્યા માત્ર ડીઝલની અછત નથી, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોના જક્કી અને અવ્યવહારુ નિયમો પણ છે. વીરપુરના જેતપુર તેમજ અન્ય સ્થાનિક ખેડૂતોએ પોતાની આક્રોશભરી વ્યથા ઠાલવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ખેતીના કામ માટે કેન કે બેરલ લઈને પેટ્રોલ પંપે ડીઝલ લેવા જાય છે, ત્યારે પંપ સંચાલકો તેમને સીધો ઇનકાર કરે છે. પંપ પરથી એવો જવાબ મળે છે કે કેનમાં ડીઝલ નહીં મળે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં પેટ્રોલ પંપો બંધ થયા

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (AGTTA) રાજ્યમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (ડીઝલ)ની અછત અંગે ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પગલાં લેવા રજૂઆત કરી છે. એસોસિએશનના પ્રમુખ વાસણભાઈ જી. આહિરે જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને ડીઝલની અછતથી કેટલાક પેટ્રોલ પંપો પણ બંધ થઈ ગયા છે. એસોસિએશને ટ્રાન્સપોર્ટ સમુદાય અને લાખો લોકોની રોજીરોટીને ધ્યાને રાખીને આ વિસ્તારોમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો પૂરતો જથ્થો તાકીદે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે. ડીઝલની અછતથી ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ સેક્ટર સંકટમાં છે. રાજ્યમાં માલ-સામાનની હેરફેર ખોરવાઈ ગઈ છે. ટ્રેડ, ઈન્ડસ્ટ્રી, કોમર્સ અને બંદરો (પોર્ટ) પર ટ્રાન્સપોર્ટેશનની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ બની છે.જો સિંગલ ઓપરેટરોની ગાડીઓ એક દિવસ પણ ઊભી રહે તો મોટું આર્થિક નુકસાન થાય.

કચ્છમાં ડીઝલની અછતથી ઉદ્યોગો ગંભીર રીતે પ્રભાવિત

કચ્છ જિલ્લામાં ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. આ સંકટને કારણે રાજ્યના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ હબ ગણાતા કચ્છ જિલ્લાનો વાહનવ્યવહાર અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મળતી માહિતી મુજબ, પૂરતો સપ્લાય ન મળવાને કારણે જિલ્લામાં અંદાજે ૧૫ હજારથી વધુ વ્યાપારી વાહનોના પૈડાં થંભી ગયા છે. કચ્છની રોજિંદી જરૂરિયાત ૪૦ લાખ લીટર ડીઝલની છે, જેની સામે સરકારી ઓઈલ કંપનીઓ માત્ર ૧૦ લાખ લીટર જેટલો જ પુરવઠો પૂરો પાડી રહી છે. આ અપૂરતા સપ્લાયને કારણે ગાંધીધામ અને કંડલાનો કરોડો રૂપિયાનો લોજિસ્ટિક્સ ઉદ્યોગ હાલ સંપૂર્ણપણે ઠપ્પ થવાના આરે પહોંચ્યો છે.