Loading Please Wait !!!
રાજકોટમાં ટ્રાફિક સિગ્નલના 30 સેકન્ડથી આરોગ્ય ઉપર જોખમ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો ચોંકાવનારો સર્વે 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્વે ચેતવણી : ટ્રાફિકમાં સેકન્ડો બચાવવા જતો સ્વાસ્થ્યના વર્ષો ગુમાવશો!

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ના પ્રો. યોગેશ જોગસરા અને ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ સંશોધક ટીમ ઉન્નતી દેસાઈ, રિંકલ વિંઝુડા , ગઢારા બંસી અને નેહા બેદીયા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આ સંશોધન સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પરના પ્રતીક્ષા સમય અને વાહનચાલકોની બેદરકારીની તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોને ઉજાગર કરે છે. શહેરોના ૧૩૦૦ થી વધુ વાહનચાલકો પર આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યારે વાહનચાલકોને પૂછવામાં આવ્યું કે સિગ્નલ પર ૩૦ સેકન્ડથી વધુનું વેઈટિંગ ટાઈમ હોય ત્યારે તમારી માનસિક સ્થિતિ કેવી હોય છે, ત્યારે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. આ સ્થિતિમાં ૬૫% લોકોએ સ્વીકાર્યું કે તેઓ તીવ્ર અધીરાઈ અનુભવે છે અને વારંવાર ઘડિયાળ કે સિગ્નલના ટાઈમર સામે જુએ છે. આ ઉપરાંત, સમયસર ન પહોંચવાના ડરથી ૨૨% લોકોમાં હૃદયના ધબકારા વધવા અને પરસેવો વળવા જેવા ચિન્હો જોવા મળ્યા હતા, જ્યારે માત્ર ૧૩% લોકો જ આવી સ્થિતિમાં શાંત રહી શકતા હતા. કાઠિયાવાડી સ્વભાવની સહજતા ટ્રાફિક સિગ્નલ પર આવતા જ એક અંજંપામાં બદલાઈ જતી આ આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ અધીરાઈની વચ્ચે જ્યારે સિગ્નલ પર તમારી પાછળનું વાહન ગ્રીન લાઈટ થતા પહેલાં જ સતત હોર્ન વગાડે, ત્યારે તમને કેવો અનુભવ થાય છે તેવા બીજા પ્રશ્નના જવાબમાં સૌરાષ્ટ્રના 'બિનજરૂરી હોર્ન કલ્ચર' ની વરવી વાસ્તવિકતા બહાર આવી હતી. ૭૪% વાહનચાલકોએ જણાવ્યું કે આનાથી તેમને તીવ્ર ગુસ્સો આવે છે અને ઘણીવાર તેઓ પાછળના ચાલક સાથે દલીલમાં ઉતરી પડે છે. જ્યારે ૧૮% લોકોએ એવું સ્વીકાર્યું કે અચાનક થતા આવા તીવ્ર અપશબ્દો તેમનું માથું દુખવા લાગે છે અથવા માનસિક સંતુલન બગડે છે, જે રસ્તા પર તાત્કાલિક અશાંતિ ઊભી કરે છે. ૫૪% પુરુષ વાહનચાલકોએ સ્વીકાર્યું કે તેઓ અવારનવાર રોડ રેજના ભોગ બને છે, ગુસ્સામાં બૂમો પાડે છે કે ઝઘડા પર ઉતરી આવે છે. તેનાથી વિપરીત, ૪૦% સ્ત્રી વાહનચાલકોએ જણાવ્યું કે આવી સ્થિતિમાં તેઓ ઝઘડાને બદલે ભારે માનસિક તણાવ, ડર અને ચિંતાનો અનુભવ કરે છે.

ટ્રાફિક સિગ્નલ પર 30 સેકન્ડનું વેઈટિંગ પણ બને છે તણાવનું કારણ

  • 65% લોકો થયા અધીરા: ૩૦ સેકન્ડથી વધુ રાહ જોવી પડે ત્યારે ૬૫% વાહનચાલકો અધીરાઈ અનુભવે છે અને વારંવાર ટાઈમર તરફ જુએ છે.

  • 22% લોકોમાં વધે છે ધબકારા: સમયસર ન પહોંચવાના ડરથી ૨૨% લોકોમાં હૃદયના ધબકારા વધવા અને પરસેવો વળવા જેવા લક્ષણો જોવા મળ્યા.

  • હોર્નથી 74% લોકોને ગુસ્સો: ગ્રીન સિગ્નલ પહેલાં જ પાછળથી હોર્ન વગાડવામાં આવે ત્યારે ૭૪% વાહનચાલકોમાં ગુસ્સો અને ઝઘડાની સ્થિતિ સર્જાય છે.

  • 54% પુરુષો રોડ રેજના શિકાર: ટ્રાફિક જામ અને ખોટી ઓવરટેકિંગના કારણે ૫૪% પુરુષો ગુસ્સે થઈ ઝઘડા કે અપશબ્દો સુધી પહોંચે છે.

  • 40% મહિલાઓમાં ડર અને ચિંતા: રોડ રેજની સ્થિતિમાં મહિલાઓ ઝઘડાને બદલે માનસિક તણાવ, ડર અને ચિંતાનો વધુ અનુભવ કરે છે.

  • 40% લોકોનો તણાવ ઘરે પણ પહોંચે છે: ટ્રાફિકમાંથી પસાર થયા બાદ ૩૧ થી ૪૫ મિનિટ સુધી માનસિક થાક અને ચિડચિડાપણું યથાવત રહે છે.

ટ્રાફિકનું ટેન્શન બની શકે છે ગંભીર બીમારીનું કારણ

  1. હાઈ બ્લડ પ્રેશર: સિગ્નલ પરની અધીરાઈ અને તણાવથી સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે, જે લાંબા ગાળે હાઈ બીપીનું કારણ બને છે.

  2. હાર્ટ એટેકનું જોખમ: ટ્રાફિક દરમિયાન હૃદયના ધબકારા ૧૬થી ૨૦% સુધી વધી જાય છે, જે હૃદય પર વધારાનું દબાણ લાવે છે.

  3. અસ્થમા અને શ્વાસની તકલીફ: સિગ્નલ પર વાહનોમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણથી અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ વધી શકે છે.

  4. સાંભળવાની શક્તિ ઘટે: લાંબા સમય સુધી ૮૫ ડેસિબલ્સથી વધુ અવાજ અને સતત હોર્નના કારણે કાન પર ખરાબ અસર પડે છે.

  5. કમર-ગરદનનો દુખાવો: ટ્રાફિકમાં વારંવાર બ્રેક અને ક્લચના ઉપયોગ કરવાથી કમર, ગરદન અને ખભાના સાંધાઓમાં જકડન વધે છે.

  6. ડિપ્રેશન અને ઊંઘની સમસ્યા: ટ્રાફિક ટ્રાફિકના તણાવથી ડિપ્રેશન, ચિંતા અને મોડી રાત સુધી ઊંઘ ન આવવાની સમસ્યા વધી શકે છે.