આ જ બાકી હતું : ટોઈલેટ હવે આવશે તમારી પાસે...
- ■ ચીને કરી નવી સુવિધા | લોન્ચ એક કોલ અને ટોઈલેટ હાજર
-
■ આ વ્યવસ્થા ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધ દર્દીઓને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે
સીટી ન્યૂઝ@બીજિંગ
ચીનમાં એક કંપનીએ રોબોટિક ટોઈલેટ બનાવ્યું છે. એની ખાસિયત એ છે કે જરૂર પડ્યે તમે એને તમે જ્યાં હો ત્યાં બોલાવી શકો છો. મતલબ કે જો તમે પથારીમાં સૂતા હો તો ઠીકીને તમારે બાથરૂમ કે ટોઈલેટ સુધી જવાની જરૂર નથી, સ્વિચ દબાવતાં ટોઈલેટનું કમોડ તમારા સુધી આવશે. આ વ્યવસ્થા ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધ દર્દીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.
પથારીવશ અને ચાલી ન શકતા હોય એવા દર્દીઓ બટન દબાવીને રિમોટ કન્ટ્રોલથી અથવા તો વોઈસ-કમાન્ડથી પણ રોબો ટોઈલેટને પોતાની પાસે બોલાવી શકે છે. એમાં લેસર અને અલ્ટ્રાસોનિક સેન્સર્સ લાગેલાં છે. એ સેન્સર્સથી રોબોને ઘરમાં દીવાલો ક્યાં છે અને રસ્તામાં ફર્નિચર ક્યાં મૂકેલું છે એનો અંદાજ આવી જાય છે.
એક કમાન્ડ પર તમારી પથારીની બાજુમાં હાજર થઈ ગયેલા કમોડ પણ તમે જરૂરી કામ પતાવીને બંધ કરી દો એટલે એ ફરીથી ચાલીને પોતાના ચાર્જિંગ સ્ટેશન પર જઈને બેસી જાય છે. એની સફાઈ પણ જાતે જ કરી લે છે. એ કમોડ પર બેઠા પછી પૂંછની સફાઈ પણ આપમેળે ગરમ પાણીથી થઈ જાય છે અને ડ્રાય પણ મશીન જ કરે છે. રૂમમાં પોટી કે સુસુ કરવાથી એની વાસ રૂમમાં ન રહે?
એવો સવાલ થતો હોય તો એનું સોલ્યુશન પણ આ રોબો પાસે છે. એમાં બદબૂ રોકતા ફિલ્ટર પણ છે. આ રોબોટિક ટોઈલેટની કિંમત ૪૦૦૦ ડોલર એટલે કે લગભગ ૩.૭ લાખ રૂપિયા છે અને હાલમાં એ શાંઘાઈમાં યોજાયેલા એક એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યું હતું.