વાડીમાં ફેન્સિંગ અને થાંભલામાં તોડફોડ કરી ટ્રાન્સપોર્ટરને ધમકી વડાલી ગામની ઘટના અંગે પિતા-પુત્ર સામે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ નજીકના વડાલી ગામની સીમમાં આવેલી વાડીના ફેન્સિંગ તાર અને થાંભલામાં તોડફોડ કરી, ટ્રાન્સપોર્ટર જયુવેન્દ્રસિંહ રેવરને પિતા-પુત્ર ગોવિંદ મેર અને તેના પુત્ર ભરતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આજી ડેમ પોલીસમાં નોંધાઈ છે.
રાજકોટના નાના મવા રોડ ઉપર રહેતા જયુવેન્દ્રસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના સગા બહેન નિશાબાની વડાલી ગામે ૨૮ વીઘા વાડી આવેલી છે. તેના બનેવી નરેન્દ્રસિંહનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. બે ભાણેજ નાના હોવાથી વાડીની દેખભાળ પોતે રાખે છે. અઠવાડિયા પહેલા વાડીની જમીનની માપણી કરાવી હતી. જેનો ખાર રાખી બંને આરોપીઓએ તેની વાડીના શેઢે ફેન્સિંગ તાર અને વીસેક થાંભલામાં તોડફોડ કરી હતી. ગઈકાલે સાંજે તેણે આ દ્રશ્યો વાડીમાં લગાડેલા સીસીટીવી કેમેરા મારફત પોતાના મોબાઈલમાં જોતાં તત્કાળ મામા રાજભા ભાટી સાથે સ્થળ પર ગયા હતા. બંને આરોપીઓને સમજાવતાં ગાળાગાળી કરી કહ્યું કે તારે અમારી વાડીના શેઢા બાજુ આવવું નહીં કે તારું ટ્રેક્ટર પણ મારા શેઢા તરફ લાવવું નહીં, નહીંતર તારા ટાંટિયા ભાંગી નાંખી, જાનથી મારી નાખશું તેમ કહી, ઝઘડો કરતાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.