Loading Please Wait !!!
છેલ્લા ૩ મહિનામાં ડુંગળીના ભાવમાં ૮૨ ટકાનો મોટો ઉછાળો, ભાવ રૂ. ૩૦ થી વધીને પહોંચ્યા રૂ. ૫૪ પ્રતિ કિલો

 

  • જૂન મહિનાની સરખામણીમાં જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે

  • સરકારી નીતિઓ અને બફર સ્ટોક છતાં છૂટક બજારમાં ઊંચા ભાવથી ગ્રાહકો પર આર્થિક ભાર

  • આગામી સમયમાં નવો પાકબજારમાં આવતાની સાથે જ કિંમતોમાં ઘટાડો થવાની પૂરી સંભાવના

સિટી ન્યુઝ @ રાજકોટ

જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં ડુંગળીના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ ગરમાયું છે. સરકારી આંકડાઓ અનુસાર, ગત ૧ જૂને ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ૨૯.૫૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને ૧૭ સપ્ટેમ્બરે ૫૩.૭૮ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. એટલે કે માત્ર સાડા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ ડુંગળીના ભાવમાં ૮૨.૩ ટકાનો મોટો વધારો નોંધાયો છે. જથ્થાબંધ બજારોની વાત કરીએ તો ૧ જૂને જથ્થાબંધ ભાવ ૨૨.૬૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં વધીને અંદાજે ૪૫ થી ૪૬ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

આ અણધાર્યા વધારા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ઉનાળુ ડુંગળીના પાકને થયેલું નુકસાન અને બજારમાં તેની આવકમાં થયેલો ઘટાડો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંથી ડુંગળીના પુરવઠામાં મોટો ઘટાડો થયો છે અને ખરીફનો નવો પાક બજારમાં આવવામાં થઈ રહેલા વિલંબને કારણે પણ પુરવઠા પર સતત દબાણ રહેલું છે. દર વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન તહેવારોની મોસમ, હવામાનની અનિયમિતતા અને જૂનો પાક પૂરો થવા તથા નવો પાક આવવાની વચ્ચેના અંતરાલને કારણે ભાવ વધવાની આ સમસ્યા સર્જાતી હોય છે.

ડુંગળીના વધતા ભાવને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાં પણ લેવામાં આવ્યા છે. સરકાર બફર સ્ટોકમાંથી સસ્તા ભાવે ડુંગળી ખરીદીને તેને ૩૫ રૂપિયા પ્રતિ કિલો જેવા રાહત દરે બજારમાં વેચે છે, જેથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે. આ ઉપરાંત, દેશમાં અછત સર્જાય ત્યારે નિકાસ પર કર અથવા પ્રતિબંધ મૂકવાની નીતિ અપનાવવામાં આવે છે. જો કે, છૂટક બજારમાં ઊંચા ભાવ અને નીતિઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે ગ્રાહકોને સંપૂર્ણ રાહત મળતી નથી, પરંતુ આગામી દિવસોમાં નવો પાક આવતા કિંમતો ઘટી શકે છે.

ખાદ્ય સુરક્ષા અને બજાર વ્યવસ્થા

કૃષિ ઉત્પાદોના સંગ્રહ, સપ્લાય ચેનનું સંચાલન અને સમયસરની સરકારી હસ્તક્ષેપ નીતિઓ મોંઘવારી પર કાબૂ મેળવવા અને ગ્રાહકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે અનિવાર્ય છે.