રાજકોટ મહાપાલિકા પાણી નહીં, ઝેર વહેંચે છે ?
મેયરના વોર્ડમાં પાણીમાં જ બેક્ટેરિયા બોલો
સિસ્ટમ નિષ્ફળ; એક પણ નમૂનો ફેલ થવો એ પણ જન આરોગ્ય માટે એલાર્મ છે!
• તંત્રી • અનિરુદ્ધ નકુમ
શહેર જે રાજકોટ વિકાસના દાવા કરે છે, ત્યાં લોકોના ઘરમાં નળમાંથી “જીવન” નહીં પણ “રોગ” વહે છે! મેયરના પોતાના વોર્ડમાં જ દૂષિત પાણી મળે આ કરતાં મોટી વિસંગતિ શું હોઈ શકે?
વોર્ડ નં. ૭, ૪, ૮ અને ૬માં બેક્ટેરિયાથી ભરેલું પાણી મળી રહ્યું છે. મનપા દ્વારા ૧૮ વોર્ડમાં લેવામાં આવેલા ૮૨૧૪ સેમ્પલમાંથી ૬ ફેલ આ આંકડો નાનો લાગે, પરંતુ હકીકતમાં આ સિસ્ટમની સંપૂર્ણ નિષ્ફળતાનો પુરાવો છે. કારણ કે એકપણ નમૂનો ફેલ થવો એ પણ જન આરોગ્ય માટે એલાર્મ છે! મુખ્ય પ્રશ્ન એ છે શું મનપા હવે લોકોના સ્વાસ્થ્ય સાથે જુગાર રમી રહી છે?
ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું પીવાના પાણીમાં મિશ્રણ થવું એ કોઈ “નાની ટેકનિકલ ખામી” નથી, આ તો સીધી રીતે બેદરકારી અને બેદરકાર શાસનની નિશાની છે. શું આ માટે કોઈ જવાબદાર નથી? શું કોઈ અધિકારી કે નેતા સામે કાર્યવાહી થશે કે પછી હંમેશાની જેમ “જાંચ”ના નામે મામલો દબાવી દેવાશે?
વોટર વર્કસ વિભાગ લોકો પાસે અપીલ કરે છે કે “ગંદુ પાણી આવે તો જાણ કરો” પરંતુ પ્રશ્ન એ છે કે લોકો કેમ જાણ કરે? શું મનપા પાસે પોતાનું કોઈ મોનીટરીંગ સિસ્ટમ નથી? શું લોકો હવે પોતે જ લેબોરેટરી બની જાય? આ ઘટના માત્ર એક વોર્ડ કે થોડા સેમ્પલની નથી આ સમગ્ર સિસ્ટમના પતનનું ચિત્ર છે.
જો આજે નળમાંથી ગંદુ પાણી આવે છે, તો કાલે હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો વધશે. ડાયરીયા, ટાઈફોઈડ, કોલેરા જેવા રોગો ફેલાવાનું જોખમ છે. ત્યારે જવાબદારી કોણ લેશે? હવે સમય છે જવાબ માંગવાનો.
મનપા તંત્ર તરત જ સમગ્ર પાણી પુરવઠાની તાત્કાલિક તપાસ કરે. ગટર અને પાણી લાઈનોની લીકેજ બંધ કરે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે અને સૌથી મહત્વપૂર્ણ જનતાને શુદ્ધ અને સુરક્ષિત પાણીની ગેરંટી આપે. નહીંતર આ માત્ર “પાણી”નો પ્રશ્ન નહીં રહે આ જનવિશ્વાસના સંપૂર્ણ પતનનો મુદ્દો બની જશે. રાજકોટની જનતા હવે મૌન નહીં રહે. કારણ કે પ્રશ્ન એક જ છે “પાણીમાં ઝેર કેમ?”