Loading Please Wait !!!
ધો.5ના અંગ્રેજી પુસ્તકમાં છપાયું ફિલ્મનું ગીત ‘નીંબૂડા-નીંબૂડા’

=> પાઠ્યપુસ્તક કે ફિલ્મી સ્ક્રીપ્ટ: શિક્ષણમાં બેદરકારીનો પર્દાફાશ

=> સરકારી પાઠ્યપુસ્તકોના સંપાદન, પ્રૂફરીડિંગ અને ક્વોલિટી કંટ્રોલ સામે ગંભીર સવાલો

સિટી ન્યૂઝ@નવીદિલ્હી

દેશના શિક્ષણ ક્ષેત્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં ધોરણ ૫ ના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકમાં વર્ષ ૧૯૯૯ની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' ના પ્રખ્યાત ગીત "નીંબૂડા નીંબૂડા" ના આખેઆખા શબ્દો (લિરિક્સ) છાપી દેવામાં આવ્યા છે. આ ગંભીર છબરડાને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સરકારી પુસ્તકોના સંપાદન, પ્રૂફરીડિંગ તેમજ ગુણવત્તા નિયંત્રણ (ક્વોલિટી કંટ્રોલ) ની કડક પ્રક્રિયા પર હવે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. મીડિયાના સત્તાવાર અહેવાલો અનુસાર, આ ચોંકાવનારો કિસ્સો ઓડિશા રાજ્યમાંથી સામે આવ્યો છે અને હાલ તે દેશભરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પ્રાથમિક શાળાના આ પાઠ્યપુસ્તકના સંબંધિત પાનાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા. પ્રાથમિક શાળાના નાના માસૂમ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક પાઠની જગ્યાએ ફિલ્મી ગીત છપાયેલું જોઈને વાલીઓ, શિક્ષકો અને શિક્ષણવિદો ભારે આશ્ચર્યમાં મુકાયા છે. તેવો તંત્ર સામે આક્રોશપૂર્વક સવાલ ઉઠાવી રહ્યા છે કે શાળાના પુસ્તકો તૈયાર કરવાની, તેની સઘન ચકાસણી કરવાની અને અંતિમ પ્રિન્ટિંગ કરવાની સરકારી પ્રક્રિયામાં આટલી મોટી અને સ્પષ્ટ ભૂલ અનેક તબક્કાના એડિટિંગમાંથી પસાર થઈને પણ કોઈના ધ્યાને કેમ ન આવી? અને છેક વિદ્યાર્થીઓના હાથ સુધી કેવી રીતે પહોંચી ગઈ? બીજી તરફ, આ વાયરલ છબરડાએ સોશિયલ મીડિયા પર પણ ભારે હંગામો મચાવ્યો છે.