સ્કૂલો સાવધાન : વિદ્યાર્થીઓના ખભે ભારે બેગ હશે તો સ્કૂલની માન્યતા રદ્દ !
=> હવે નહીં ચાલે મનમાની; નિયમો તોડતી સ્કૂલો સામે લાલ આંખ
=> વિદ્યાર્થીના વજનના 10% થી વધુ વજન અથવા પ્રી-પ્રાઇમરીમાં બેગ મંગાવી તો સ્કૂલો સામે કડક કાર્યવાહી
=> નવા સત્રથી કડક અમલ: શનિવારે બેગલેસ ડે રાખવામાં આળસ કરનાર સ્કૂલો સામે આકરી કાર્યવાહી કરવા આદેશ
સિટી ન્યૂઝ@રાજકોટ
નવા સત્ર પહેલાં DEO દ્વારા સ્કૂલોને આદેશ આપ્યો છે કે પ્રી-પ્રાઇમરીમાં બેગ મંગાવી કે વિદ્યાર્થીના વજનના ૧૦%થી વધુ વજનની બેગ હશે તો સ્કૂલની માન્યતા રદ્દ થઈ શકે છે. વર્ષમાં ૧૦ શનિવાર બેગલેસ ડે રાખવામાં આળસ કરશે તો પણ કાર્યવાહી થશે. સંચાલકો આર્થિક ફાયદા માટે વાલીઓ પર પુસ્તકો થોપવાના ખેલ પર બ્રેક લગાવવા DEO ગમે ત્યારે સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે. આ વર્ષે દેખાડા પૂરતી નોટિસ આપી અટકી નહીં જશે, પણ લાખોનો દંડ પણ કરશે નર્સરી, જુનિયર અને સીનિયર કેજીના બાળકો માટે સ્કૂલ બેગ લાવવા પર પ્રતિબંધ છે. ધો.૧થી ૧૦ના વિદ્યાર્થીઓ બેગનું વજન કુલ શરીરના વજનના માત્ર ૧૦% જ હોવું જોઈએ. રિસર્ચ મુજબ બાળક પોતાના વજનના ૧૦%થી વધુ ભાર ઊંચકે તો કરોડરજ્જુ પર અકુદરતી દબાણ આવે છે અને લાંબા ગાળે શરીર આગળની તરફ નમે છે. બાળક નાની ઉંમરે જ પીઠ, ખભા અને ગરદનના અસહ્ય દુખાવાના ભોગ બને છે. ફેફસાં પર દબાણ આવવાથી થાકી જાય છે.
વાલીઓ માટે ચાર જરૂરી ટિપ્સ
▪ રોજ રાત્રે જ બીજા દિવસના ટાઇમ-ટેબલ મુજબ માત્ર જરૂરી ચોપડીઓ-નોટબુક જ બેગમાં ગોઠવો. વધારાનો ભાર અટકાવો.
▪ ફેન્સી-વજનદાર બેગ ન ખરીદવી. પહોળા પટ્ટાવાળી-હલકા મટિરિયલની જ બેગ પસંદ કરો.
▪ બેગમાંથી બિનજરૂરી રમકડાં, વાર્તાની ચોપડીઓ કે નકામો સામાન બહાર કઢાવો.
▪ મોટી-ભારે વોટરબોટલ ટાળો. નાની બોટલ આપો અને બાળકને સ્કૂલમાં જ પાણી રી-ફીલ કરવાની ટેવ પાડો.