શિક્ષણ બન્યું ‘મોંઘુદાટ’ બાળક દીઠ મહિને 5000 નો ખર્ચ !
પાઠશાળા નહીં પૈસાની દુકાન; શિક્ષણ પહોંચ બહાર : ખર્ચ વધ્યો ચિંતા વધી !
સિટી ન્યૂઝ@રાજકોટ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે નવા સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર ખર્ચનો વધારોનો બોજ પડ્યો છે. સ્કૂલ ફી, પુસ્તકો, ખાનગી શૈક્ષણિક સાહિત્ય, ગણવેશ, સ્કૂલ બેગ તેમજ રિક્ષા-વાનના ભાડામાં ૨૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેને લઈ ગત વર્ષની તુલનાએ બાળક દીઠ સરેરાશ શિક્ષણ ખર્ચ રૂ.૧૫ હજારથી વધીને રૂ.૧૮ થી ૨૦ હજાર સુધી પહોંચ્યો છે. પરિણામે વાલીઓને પ્રતિ વિદ્યાર્થી રૂ.૧,૫૦૦ થી ૨,૦૦૦ નો વધારોનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. આ સરેરાશ અંદાજ ફી નિયંત્રણના દાયરામાં આવતી સ્વનિર્ભર શાળાઓને આધારે તૈયાર કરાયો છે. જોકે, એફઆરસી દ્વારા સગવડો પ્રમાણે વધુ ફી મંજૂરીવાળી કેટલીક શાળાઓમાં વાલીઓને ખર્ચ તેનાથી બમણો કે વધુ છે. સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો રૂ.૫૦૦ થી ૮૦૦ માં મળી જાય છે. પરંતુ ચિત્રપોથી, પ્રયોગપોથી, સ્વાધ્યાયપોથી, ગાઈડ અને પ્રશ્નસંગ્રહ જેવા ખાનગી સાહિત્ય પાછળ રૂ. ૧,૫૦૦ થી વધુ ખર્ચ થાય છે. પરિણામે પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી પાછળ વાલીઓને સરેરાશ રૂ.૧૮૦૦ થી ૨૦૦૦ નો ખર્ચ કરવો પડે છે.
-
શાળાઓમાં 5% સુધી ફી વધી: સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં ફી સરેરાશ રૂ.૧૫ હજાર થી ૩૦ હજાર વચ્ચે છે. ફી નિયમન હેઠળ અનેક શાળાઓ એફઆરસી મંજૂરીના વર્ષમાં ૫ ટકા સુધી ફી વધારો કરતાં રૂ.૧૦૦ થી ૫૦૦ સુધી ખર્ચ વધશે. એફઆરસી દ્વારા મંજૂર કરાયેલી કેટલીક શાળાઓમાં ફી રૂ.૨૦ હજારથી ૧ લાખ સુધી છે. શબરી સ્કૂલના સૂત્રો મુજબ તેમની શાળામાં ૫ ટકાના વધારા મુજબ સરેરાશ રૂ.૧૦૦ થી ૧૫૦ જેટલી ફી વધશે.
-
ઈંધણના ભાવ વધતાં સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં રૂ.200નો વધારો: પેટ્રોલ, સીએનજી, સ્પેરપાર્ટ્સ સહિતના ભાવ વધતાં વાહન જાળવણી ખર્ચ વધ્યો છે. પરિણામે નવા સત્રથી સ્કૂલ રિક્ષા અને વાનના માસિક ભાડામાં સરેરાશ રૂ.૨૦૦ નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ.૮૦૦ માસિક ભાડું ચૂકવતા વાલીઓને હવે રૂ. ૧૦૦૦ અને રૂ.૧૨૦૦ ચૂકવતા વાલીઓને રૂ.૧૪૦૦ સુધી ભાડું ચૂકવવું પડી શકે છે.
-
સ્કૂલ ગણવેશ 10 થી 15 ટકા મોંઘા: કાપડ, કાચો માલ અને મજૂરી ખર્ચમાં વધારો થવાને કારણે સ્કૂલ ગણવેશના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા વધારો થયો છે. ગયા વર્ષે એક જોડી ગણવેશનો ભાવ રૂ.૫૫૦ હતો, જે હવે વધીને રૂ.૬૫૦ થી ૭૦૦ સુધી પહોંચ્યો છે.
-
સ્કૂલબેગના ભાવ 50 થી 100 વધ્યા: વધતા ઉત્પાદન અને મજૂરી ખર્ચના કારણે સ્કૂલ બેગના ભાવમાં ૧૦ થી ૧૨ ટકા વધારો થયો છે. બજારમાં સ્કૂલબેગ રૂ.૩૫૦ થી રૂ.૧૨૦૦ ની રેન્જમાં ઉપલબ્ધ છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ દરેક બેગ પર રૂ.૫૦ થી ૧૦૦ જેટલો વધારો છે.
આજે વેકેશન ખુલ્યું: સ્કૂલ ચલે હમ......
રાજ્યમાં લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજ (આઠમી જૂન) થી અમદાવાદ સહિત રાજ્યની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા ૩૫ દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતાં ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે ૫૪૦૦૦ જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે.
નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે શાળાએ પહોંચેલા અંદાજે ૧.૧૫ કરોડ બાળકોનું વિવિધ શાળાઓમાં પરંપરાગત અને ભારે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરીને અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને ફરી મળવાનો અનોખો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હતો. સામાન્ય રીતે વેકેશન ખુલતાની જ શરૂઆતના દિવસોમાં બાળકો રડતાં-રડતાં શાળાએ જતાં જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ રડવાના બદલે હસતા હસતા અને ભારે ઉત્સાહ સાથે શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. નવા સત્રના પહેલા દિવસથી જ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પુસ્તકોના ભાર અને અભ્યાસના નવા લક્ષ્યાંકો સાથે શૈક્ષણિક આલમમાં ફરી એકવાર ગતિશીલતા અને જીવંતતા આવી ગઈ છે.