સરકારી ચિલ્ડ્રન હોમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
» અનાથ, નિરાધાર અને આર્થિક રીતે નબળા બાળકોને મળશે આશ્રય
» બાળકો માટે રહેઠાણ, શિક્ષણ અને પોષણ સહિતની સુવિધાઓ નિઃશુલ્ક» જરૂરિયાતમંદ બાળકો સુધી માહિતી પહોંચાડવા પ્રિયંક દેવશીની અપીલ
સિટી ન્યૂઝ@જામખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જરૂરિયાતમંદ બાળકો માટે ચાલતા સરકારી ચિલ્ડ્રન હોમમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. અનાથ અને નિરાધાર બાળકોને યોગ્ય આશ્રય અને શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલતી આ સંસ્થામાં છોકરાઓ (Government Children Home for Boys) અને છોકરીઓ (Government Children Home for Girls) બંને માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આ સરકારી સુવિધાનો લાભ અનાથ બાળકો, ૧ જ વાલી ધરાવતા બાળકો, આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા તેમજ કાળજી અને રક્ષણની ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો લઈ શકે છે. અહીં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને રહેવાની ઉત્તમ વ્યવસ્થા, અભ્યાસ કરવાની સંપૂર્ણ સુવિધા તેમજ જરૂરી કાળજી અને પોષણયુક્ત આહાર સહિતની તમામ સવલતો સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવે છે.
સ્થાનિક લોકસેવક પ્રિયંક દેવશીએ લોકોને અપીલ કરી છે કે સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારો સુધી આ માહિતી પહોંચાડે જેથી કોઈ પણ નિરાધાર બાળક શિક્ષણ અને આશ્રયથી વંચિત ન રહે. પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓ કે જાગૃત નાગરિકો મોબાઇલ નંબર 9558981684 અથવા 9428320011 પર સીધો સંપર્ક કરી શકે છે.
ક્યાં અને ક્યારે મુલાકાત લઈ શકાશે?
સરકારી ચિલ્ડ્રન હોમ, જોધપુર નાકા પાસે, જૂની કોર્ટ બિલ્ડિંગ, જામખંભાળિયા ખાતે આવેલું છે. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા માટેનો સમય દર મંગળવાર અને શુક્રવારે બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે પણ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંસ્થાની મુલાકાત લઈ પ્રવેશ પ્રક્રિયા અંગે રૂબરૂ માર્ગદર્શન મેળવી શકાશે.