Loading Please Wait !!!
સબસિડી આપો તો જ ડીઝલ માટે ખેડૂતો પાસેથી પુરાવા માંગો : કિસાન સંગઠન

» ખેડૂતોને 50 રૂપિયા સબસિડીથી ડીઝલ આપવા ઉગ્ર માંગ
» ખરીફ સિઝનમાં 53 લાખ ખેડૂતોને પડતર કિંમતે ડીઝલ-ખાતર આપવા રજૂઆત
» ડીઝલ પર ટેક્સ માફી અને પ્રતિ વીઘે 15000 સહાયની સરકારને ચીમકી

સિટી ન્યૂઝ@રાજકોટ

ખરીફ સિઝન નજીક આવતા જ ખેતી માટે અત્યંત જરૂરી એવા ડીઝલની ભયંકર અછત અને પેટ્રોલ પંપ સંચાલકોના જક્કી વલણ સામે ગુજરાતના ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ડીઝલ માટે ૭-૧૨, ૮-અ ના ઉતારા, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ અને ટ્રેક્ટરની RC બુક જેવા પુરાવા માંગવાની પ્રથાને ગેરકાયદેસર ગણાવીને ગુજરાત ખેડૂત એસોસિએશને સ્પષ્ટ માંગ કરી છે કે જો સરકાર ડીઝલ પર પ્રતિ લિટરે ૫૦ રૂપિયાની સબસિડી આપે, તો જ આવા દસ્તાવેજી પુરાવા માંગી શકે. સંગઠને સરકારના "પૂરતો જથ્થો છે" ના દાવાઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા અને ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા સહિતના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, એક તરફ ખરીફ સિઝન માથે છે અને બીજી તરફ ખેડૂતોને ડીઝલ માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને માત્ર ૨૦૦ લિટર ડીઝલ મેળવવા માટે સરકારી કચેરીઓ જેવા પુરાવા આપવા પડે છે. જો સરકાર પાસે પૂરતો જથ્થો હોય, તો રાજકીય વગ ધરાવતા મળતિયાઓ મોટા બેરલો ભરી જાય છે અને સામાન્ય ખેડૂતને ડીઝલ મળતું નથી. સત્તાધારી પક્ષના કેસરિયો ખેસ પહેરેલા ખેડૂત નેતાઓની પણ આ મુદ્દે બોલતી બંધ થઈ ગઈ છે.

ખેડૂત આગેવાનો મનરસિંહ રાઠોડ, ભુપત પટેલ અને રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે, કારમી મોંઘવારી વચ્ચે સરકારે તાજેતરમાં ડીઝલમાં ૩ રૂપિયાનો અને ખાતરમાં (NPK અને APS) ૩૦૦ થી ૭૦૦ રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારાથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. સંગઠને સરકાર પાસે ડીઝલ પરનો ટેક્સ સંપૂર્ણ માફ કરવા, રાજ્યના ૫૩ લાખ ખેડૂતોને ૧.૫૦ કરોડ સર્વે નંબરો પર પડતર કિંમતે ડીઝલ, વાજબી ભાવે બિયારણ અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ કરાવવાની ઉગ્ર માંગ કરી છે.

=> દેવા માફી અને વીજપોલના ભાડા માટે નવી માંગ

આ ઉપરાંત, કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવોને અપૂરતા ગણાવીને સંગઠનોએ તેના બમણા ભાવ જાહેર કરવા અને તમામ ઉત્પાદન ખરીદવા ગામેગામ વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અન્ય રાજ્યોની તર્જ પર ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા નાબૂદ કરવા, ૨ જૂન સુધીમાં વાવણીથી કાપણી સુધીના ખર્ચ પેટે પ્રતિ વીઘે ૧૫૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવા જણાવાયું છે. સાથે જ, ખેતરોમાં બળજબરીથી વીજપોલ નાખતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા અને મરજી વિરુદ્ધ પોલ ઉભા કરાય તો પ્રતિ પોલ ૧ લાખ રૂપિયાનું માસિક ભાડું ચૂકવવાની નવી શરત પણ મૂકવામાં આવી છે.