Loading Please Wait !!!
એક રાજ્ય, બે શહેર... ટ્રાફિક દંડના બે નિયમ કેમ?

  • ટ્રાફિક દંડમાં રાજકોટની રોકડ સિસ્ટમ સામે સવાલો
  • રાજકોટમાં 600, અમદાવાદમાં 500 : નો-પાર્કિંગ દંડમાં પણ શહેર પ્રમાણે તફાવત?
  • રાજકોટમાં નો-પાર્કિંગના દંડથી માંડી મેમો સિસ્ટમ સુધી સવાલો : નિયમ એક, શહેર પ્રમાણે પદ્ધતિ અલગ કેમ? વર્ષોથી બે પ્રકારની રકમ? હવે એક જ ફિક્સ દંડની વ્યવસ્થા

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના અમલ સાથે દંડ વસુલવાની પદ્ધતિ અને ડિજિટલ સિસ્ટમ અંગે પણ હવે ચર્ચા થઈ છે. ખાસ કરીને નો-પાર્કિંગ દંડ, ટોઈંગ ચાર્જ, રોકડ વસૂલાત, UPI પેમેન્ટ અને વાહન નંબર પર ઓનલાઈન મેમો જનરેટ કરવાની વ્યવસ્થા અંગે રાજકોટ અને અન્ય મહાનગરોની પદ્ધતિમાં તફાવત હોવાની વિગતો સામે આવી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ દંડ વસૂલવાની પ્રક્રિયા પણ પારદર્શક, કેશલેસ, સરળ અને ટેફોર્ડ આધારિત હોય તે આજના ડિજિટલ યુગમાં એટલું જ જરૂરી બન્યું છે.

રાજકોટનાં નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા બદલ હાલ ૬૦૦ સુધીનો દંડ લેવામાં આવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અમદાવાદમાં આ જ પ્રકારના નિયમબંગ માટે ૫૦૦ની રકમ હોવાની માહિતી છે. એક જ રાજ્યમાં ટ્રાફિક નિયમો માટેના દંડની રકમ અને વસૂલાતની પદ્ધતિમાં તફાવત હોય તો તેની પાછળના નિયમો અને સરકારી ઠરાવ અંગે સ્પષ્ટતા જરૂરી બને છે. વધુમાં, રાજકોટમાં ટોઈંગ વાન દ્વારા વાહન લોક કરવામાં આવે ત્યારે ૧૦૦નો અલગ "લોક ચાર્જ" લેવામાં આવતો હોવાની માહિતી પણ સામે આવી છે. આ ચાર્જ કથા નિયમ કે સત્તાવાર જોગવાઈ હેઠળ વસુલવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ. દંડ અને ટોઈંગ સંબંધિત દરેક ચાર્જની સત્તાવાર રસીદ, દર અને જોગવાઈ જાહેર થાય તો વાહનચાલકોમાં પણ ગેરસમજ દૂર થઈ શકે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં અગાઉ નો-પાર્કિંગ પાહનો માટે ટોઈંગની કામગીરીમાં બે પ્રકારની રકમ વસૂલાતી હોવાની ચર્ચા હતી. ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીની ટોઈંગ વાન દ્વારા વાહન લોક કરવામાં આવે તો ૧,૦૦૦ અને સરકારી ટોઈંગ વાન દ્વારા લોક કરવામાં આવે તો ૬૦૦ સુધીની રકમની જોગવાઈ હોવાની માહિતી છે. આવી અલગ અલગ વસૂલાતના કારણે વાહનચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના કિસ્સા વધ્યા બાદ છેલ્લા બે મહિનાથી ટ્રાફિક શાખાના ACP દ્વારા નો-પાર્કિંગ માટે એક જ ફિક્સ રકમની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હોવાની માહિતી છે. જો અગાઉ ખરેખર બે અલગ દર અમલમાં હતા તો તે કયા નિયમ હેઠળ હતા, ખાનગી અને સરકારી ટોઈંગમાં દર અલગ રાખવાનું કારણ શું હતું અને અત્યાર સુધીમાં કેટલી રકમ વસૂલાઈ? તેની સત્તાવાર માહિતી જાહેર થાય તો સમગ્ન ગામલે પારદર્શિતા આવશે.

  • દંડની વસૂલાત કરતાં સિસ્ટમનું ડિજિટાઈઝેશન વધુ જરૂરી
ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો વિરોધ કોઈનો નથી. પરંતુ દંડ વસૂલાતની પ્રક્રિયા જેટલી પારદર્શક અને ડિજિટલ હશે એટલી જ જનતા અને પોલીસ વચ્ચેની ગેરસમજ તથા ઘર્ષણની શક્યતા ઘટશે. રાજકોટ ટ્રાફિક શાખાએ નો-પાર્કિંગ અને અન્ય ટ્રાફિક દંડ માટે સત્તાવાર દર, ટોઈંગ ચાર્જ, UPI પેમેન્ટની ઉપલબ્ધતા તથા વાહન આધારિત ઓનલાઈન મેમોની વ્યવસ્થા અંગે જાહેર સ્પષ્ટતા કરવી જોઈએ. ટ્રાફિક નિયમોનો અમલ કડક હોવો જોઈએ, પરંતુ દંડ વસૂલવાની પદ્ધતિ પણ પારદર્શક, કેશલેસ અને ટેક્નોલોજી આધારિત હોવી જોઈએઆજના ડિજિટલ યુગમાં રાજકોટમાં પણ આધુનિક ટ્રાફિક પેમેન્ટ સિસ્ટમની જરૂર છે.

  • રોકડ નહીં હોય તો શું? વાહન નંબર પર ઓનલાઈન મેમો કેમ નહીં?
ટ્રાફિક ચેકિંગ દરમિયાન કોઈ વાહનચાલક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા જરૂરી દસ્તાવેજ ન હોય અને કાયદા મુજબ દંડ ભરવાનો થાય, પરંતુ તે સમયે તેની પાસે રોકડ કે ડિજિટલ પેમેન્ટ કરવાની ક્ષમતા ન હોય, તો દંડની રકમ માટે પરિવારના સભ્ય કે અન્ય વ્યક્તિ પાસેથી પૈસા મંગાવવાની સ્થિતિ ઊભી થતી હોવાની ફરિયાદો છે. આવા સંજોગોમાં વાહનના નંબર સાથે ઓનલાઈન મેમો જનરેટ કરી, નિયમ મુજબની રકમ વાહનના રેકોર્ડમાં બાકી તરીકે નોંધવાની વ્યવસ્થા કેમ ન કરવામાં આવે? ટ્રાફિક સિગ્નલ ભંગ અથવા કેમેરા આધારિત નિયમભંગમાં જે રીતે વાહન નંબર પર ઈ-મેમો જનરેટ થઈ શકે છે, તેવી જ રીતે અન્ય કાયદેસર દંડ માટે પણ ટેક્નોલોજી આધારિત વિકલ્પ ઉપલબ્ધ કરાવી શકાય તેવી માંગ ઊઠી રહી છે, આ વ્યવસ્થા ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો, પરિવાર સાથે એકલા વાહન ચલાવતા લોકો તથા અચાનક ચેકિંગમાં અટકાવવામાં આવતા સામાન્ય નાગરિકો માટે ઉપયોગી બની શકે છે. દંડ ભરવાનો હેતુ કાયદાનો અમલ છે, રસ્તા પર રોકડ રકમ શોધાવવાનો નહીં.

  • UPI પેમેન્ટની સુવિધા દરેક પોઇન્ટ પર સરળતાથી ઉપલબ્ધ કેમ નહીં?
આજના ડિજિટલ યુગમાં નાના વેપારીથી લઈને સામાન્ય પરિવાર સુધી મોટા મોટા લોકો UPIનો ઉપયોગ કરે છે. તેમ છતાં ટ્રાફિક દંડની વસૂલાતમાં UPI દ્વારા તાત્કાલિક ચુકવણીની સુવિધા દરેક સ્થળે સરળતાથી ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જો દંડ સ્થળ પર જ ભરવાનો હોય તો રોકડ સાથે UPI / ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ ફરજિયાત અને સરળ બનાવવો જોઈએ. અને જો કોઈ કારણસર તે સમયે પેમેન્ટ શક્ય ન હોય તો વાહન નંબર આધારિત ઈ-મેમોનો વિકલ્પ હોવો જોઈએ.