તંત્રનો દેખાડો; રાજકોટમાં અમૂક સિગ્નલ પર છાંયો, બાકીના લોકો તડકામાં સળગે
=> RJ અજયસિંહના વીડિયોએ તંત્રની પોલ ખોલી
=> શહેરની પ્રજા સાથે ભેદભાવ કેમ ?
=> આખા શહેરમાં સમાન સુવિધા કેમ નહીં ?
=> પાલિકાની કામગીરી સાથે લોકોનો ગૂસ્સો ફાટી નીકળ્યો : રાજકોટમાં તંત્રની સિસ્ટમ ફેલ ?
સિટી ન્યૂઝ@રાજકોટ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં આર.જે. અજય સિંહ ચુડાસમા રાજકોટ શહેર સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ખુલાસો કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ દાવો કરે છે કે શહેરમાં કેટલીક એવી હકીકતો છે, જે સામાન્ય નાગરિકો સુધી પહોંચતી નથી.
વિડિઓમાં ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુવિધાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં અનેક ટ્રાફિક સિગ્નલ હોવા છતાં, માત્ર ગણતરીના સ્થળોએ જ મહાપાલિકા દ્વારા છાંયડા માટે ગ્રીન નેટ લગાવવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં બાકી સિગ્નલ પર ઊભેલા લોકોને તડકામાં જ ઉભા રહેવું પડે છે, જે નાગરિક સુવિધાઓમાં અસમાનતા દર્શાવે છે.
આ મુદ્દે સ્થાનિક નાગરિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો આર.જે. અજય સિંહના દાવાઓને સમર્થન આપતા કહે છે કે મહાપાલિકા દ્વારા પૂરતી અને સમાન સુવિધાઓ આપવામાં આવતી નથી. બીજી તરફ, કેટલાક લોકો આ મામલે તંત્ર તરફથી સ્પષ્ટતા અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
હાલ સુધી મહાપાલિકા તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ વાયરલ થયેલા આ વીડિયોએ શહેરની વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.