સાતમ-આઠમનો લોકમેળો બદલાશે? નવું સરનામું અટલ સરોવર પાસે!
ગ્રાન્ટ તુરંત મળે તો જ શક્ય, બાકી વરસાદની સિઝન કામ થશે નહીં
શક્યતા 50% જ
₹ 18 કરોડની ગ્રાન્ટની માંગ
-
» જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર પાસેથી ₹૧૮ કરોડની ગ્રાન્ટની માંગણી કરી
-
» અટલ સરોવર પાસે આવેલી જમીન સમથળ કરવા માટે પ્રસ્તાવ મોકલાયો
-
» સરકાર ગ્રાન્ટ ફાળવશે તો આગામી લોકમેળો ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજાશે
મુશ્કેલીઓ પણ ઓછી નથી
-
» રિંગરોડ-૨ના બીજુ તબક્કાનું કામ હજુ અધૂરું છે.
-
» જો ચોમાસું નજીક આવી જશે અને ગ્રાન્ટ મંજૂરીમાં વિલંબ થશે તો જમીન વિકાસનું કામ સમયસર પૂર્ણ કરવું મુશ્કેલ બની શકે છે.
-
» નિષ્ણાતોનું માનવું છે કે વરસાદી મોસમ શરૂ થયા પછી મોટા પાયે સમથલીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરવું સરળ રહેશે નહીં.
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સ મેદાન ખાતે યોજાતા પરંપરાગત સાતમ-આઠમના લોકમેળાના સ્થળમાં આ વર્ષે મોટા ફેરફારની શક્યતા ઊભી થઈ છે. જિલ્લા કલેક્ટરે સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર નજીક આવેલી જમીન પર લોકમેળો યોજવાની તૈયારીઓ શરૂ કરી છે. આ જમીનને સમથળ બનાવવા અને પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે કલેક્ટર દ્વારા સરકાર સમક્ષ અંદાજે ૧૮ કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ જમીનને સમથળ કરવા માટે અગાઉ તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયમાં સરકાર પાસે ૧૨ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી હતી. જોકે, માત્ર ૧ જ વર્ષના ટૂંકા ગાળામાં આ રકમમાં ૬ કરોડ રૂપિયાનો નોંધપાત્ર વધારો માંગીને ૧૮ કરોડની માંગણી કરવામાં આવતા વહીવટી વર્તુળોમાં પ્રશ્નો ઊભા થયા છે. જો રાજ્ય સરકાર દ્વારા આ ગ્રાન્ટ તુરંત મંજૂર કરવામાં આવશે, તો આગામી લોકમેળો ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજાય તેવી ૫૦ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગત વર્ષે સ્થાનિક ધારાસભ્યો દર્શિતા શાહ અને રમેશ ટીલાળા સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ લોકમેળાનું સ્થળ બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
જોકે, નવું સ્થળ નક્કી કરવામાં કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ પણ રહેલી છે. હાલ ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ ના બીજા તબક્કાનું કામ હજુ અધૂરું છે, જેનાથી મેળામાં આવતા લાખો લોકો માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. આ ઉપરાંત, જો સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં મોડું થશે, તો વરસાદની સિઝન શરૂ થઈ જવાથી નવી જગ્યા પર જમીન સમથળ કરવાનું કામ શક્ય બનશે નહીં. જો જમીન તૈયાર નહીં થાય તો તંત્રને નાછૂટકે જૂના રેસકોર્સ મેદાનમાં જ લોકમેળો યોજવો પડશે. હવે સૌની નજર રાજ્ય સરકારના નિર્ણય પર છે કે ગ્રાન્ટ સમયસર ફાળવાય છે કે નહીં.
હવે નજર સરકારના નિર્ણય પર
રાજકોટના લોકમેળાને નવું સરનામું મળશે કે નહીં તે હવે રાજ્ય સરકારના નિર્ણય પર નિર્ભર છે. ગ્રાન્ટ ફાળવાશે તો અટલ સરોવર વિસ્તાર નવો મેળાગ્રાઉન્ડ બની શકે છે, અન્યથા હાલનું આયોજન યથાવત્ રહેવાની શક્યતા વધુ છે.
“ ગ્રાન્ટ મળશે તો લોકમેળાનું નવું સરનામું, નહીં મળે તો હાલનું મેદાન યથાવત્. ”