Loading Please Wait !!!
મોદી સ્ટેડિયમમાં ૩ કરોડના બોક્સમાં શાહ પરિવારનો ઠાઠ ?

જામનગર રૂરલ ક્રિકેટ એસો.ના મંત્રી સહદેવસિંહ ચુડાસમાના ગંભીર આક્ષેપો

શું SCAના સભ્યો કે ડિસ્ટ્રીક્ટ એસો.ના સભ્યોને મેચ જોવાનો કોઈ હક નથી ? ચુડાસમાના આરોપ

એસો.ના પૈસે બનેલી સુવિધાનો લાભ માત્ર થોડા લોકો સુધી જ કેમ સિમિત છે ?

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટમાં પારદર્શિતા મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. જામનગર રૂરલ ક્રિકેટ એસોસિએશનના મંત્રી સહદેવસિંહ ચુડાસમાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા કરોડોની કિંમતનો બોક્સ ખરીદવામાં આવ્યો છે, પરંતુ તેનો લાભ સામાન્ય સભ્યો કે ક્રિકેટરોને મળતો નથી. તેમના જણાવ્યા મુજબ, અંદાજે ૩ કરોડથી વધુ ખર્ચે ખરીદાયેલા આ બોક્સમાં ૨૫ બેઠકોની વ્યવસ્થા છે અને તેનો ઉપયોગ મહત્વની મેચો જેમ કે IPL ફાઇનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ દરમિયાન થાય છે. જોકે, આ બોક્સમાં માત્ર નિરંજન શાહ અને તેમના પરિવારજનોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે તેવી ગંભીર ફરિયાદ ઉઠાવવામાં આવી છે. ચુડાસમાએ સવાલ ઉઠાવ્યો કે, "શું SCA ના સામાન્ય સભ્યો કે ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સભ્યોને મેચ જોવા કોઈ હક નથી?" તેમણે વધુમાં જણાવ્યું કે, આ બોક્સ અને મોંઘી ટિકિટો માટેનો ખર્ચ SCA ના ફંડમાંથી કરવામાં આવે છે, જે સભ્યોના પૈસાથી ચાલતી સંસ્થા છે. છતાં, સામાન્ય સભ્યોને ક્યારેય આ સુવિધાનો લાભ મળતો નથી. આ સાથે ચુડાસમાએ દાવો કર્યો છે કે દરેક મેચમાં શાહ પરિવારના સગા-સંબંધીઓ, મિત્રો અને નજીકના લોકો જ બેસતા જોવા મળે છે. તેઓએ પુરાવા સાથે આ મુદ્દો ઉઠાવવાનો પણ દાવો કર્યો છે અને અન્ય ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સભ્યોને પણ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. આ સમગ્ર મામલે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પારદર્શિતા ક્યાં છે? સભ્યોના પૈસે બનેલી સુવિધાનો લાભ માત્ર થોડા લોકો સુધી જ કેમ સીમિત છે?