ગૌશાળા-ઝૂંપડપટ્ટીના લાભાર્થે રાજકોટમાં ભવ્ય મ્યુઝિકલ નાઈટ
આત્મનિર્ભર ફાઉન્ડેશનના સેવાકાર્ય સાથે જૂના ગીતો, ગઝલ અને કવ્વાલીની મહેફિલ; પ્રવેશ નિઃશુલ્ક
સિટી ન્યૂઝ@રાજકોટ
સુર-સંગીતની મહેફિલ સાથે સેવાકાર્યનો સુંદર સંદેશ આપવાના હેતુથી આત્મનિર્ભર ફાઉન્ડેશને ગૌશાળા અને જરૂરિયાતમંદ ઝૂંપડપટ્ટી વિસ્તારના લાભાર્થે ભવ્ય મ્યુઝિકલ નાઈટનું આયોજન કર્યું છે. તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના શનિવારે રાત્રે ૯ વાગ્યે લીગડાયોક ખાતે હોટલ ક્લાસિક, દસમા ખાતે યોજનારા આ કાર્યક્રમમાં પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે.
સંગીતમય કાર્યક્રમમાં જૂના સુમધુર ગીતો ઉપરાંત ગઝલ અને કવ્વાલી સહિતની વિવિધ રજૂઆતો સંગીતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મનોરંજનની સાથે ગૌસેવા અને જરૂરિયાતમંદોની સેવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આત્મનિર્ભર ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સમાજસેવામાં કાર્યરત છે. આ સેવાભાવને આગળ વધારતાં ગૌશાળા અને ઝૂંપડપટ્ટીના લાભાર્થે સંગીતના માધ્યમથી લોકોને સેવાકાર્ય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આયોજનમાં THE RAJKOT TIMES પણ સહયોગી બની સામાજિક અને જનહિતલક્ષી પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવામાં સહભાગી બન્યું છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ તન્વી લેહરુ અને THE RAJKOT TIMESના જીગર મહેન્દ્રભાઈ સોઢાના સંકલનથી કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ મ્યુઝિકલ નાઈટ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નહીં, પરંતુ સંગીત સાથે સેવા અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
રાજકોટના સંગીતપ્રેમીઓ અને નગરજનોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુર, તાલ અને સંગીતની મહેફિલ માણવાની સાથે સેવાકાર્યના આ પ્રયાસમાં સહભાગી બનવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે તન્વી લેહરુનો મો. 88498 02656 પર સંપર્ક કરી શકાશે.