Loading Please Wait !!!
ડોક્ટરો માટે 'વન નેશન વન રજિસ્ટ્રેશન': NMC લાવશે યુનિક ID

 

  • એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ દેશના કોઈપણ રાજ્યમાં પ્રેક્ટિસ કરવાની સંપૂર્ણ છૂટ

  • રજિસ્ટર્ડ ડોક્ટરોનું લાઇસન્સ 5 વર્ષ માટે માન્ય રહેશે, 3 મહિનામાં રિન્યુ કરાવવું પડશે

  • ડોક્ટર સામે થતી શિસ્તભંગની કાર્યવાહીનો રેકોર્ડ નેશનલ મેડિકલ રજિસ્ટરમાં દેખાશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા દેશભરના મેડિકલ પ્રોફેશનલ્સ માટે 'વન નેશન, વન રજિસ્ટ્રેશન' પદ્ધતિ અમલમાં મૂકવાની દિશામાં એક મોટો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. NMC ના નવા ડ્રાફ્ટ નિયમો અનુસાર, દેશના પ્રત્યેક રજિસ્ટર્ડ ડોક્ટરને કેન્દ્રીય સ્તરે એક વિશિષ્ટ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) ફાળવવામાં આવશે. આ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ રાજ્ય મેડિકલ રજિસ્ટરમાં નોંધાયેલા ડોક્ટરો દેશના કોઈપણ અન્ય રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વધારાના રજિસ્ટ્રેશન વિના પ્રેક્ટિસ કરી શકશે.

આ પ્રસ્તાવ ડોક્ટરોના રજિસ્ટ્રેશન અને પ્રેક્ટિસ લાઇસન્સ સંબંધિત 2026 ના ડ્રાફ્ટ નિયમો હેઠળ તૈયાર કરાયો છે. નવી સિસ્ટમમાં ડોક્ટરે એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) ના યુનિફાઇડ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સંબંધિત રાજ્ય કાઉન્સિલ 30 દિવસમાં આ અરજીની ચકાસણી કરીને મંજૂરી આપશે, ત્યારબાદ EMRB દ્વારા UID જારી કરાશે. આ નંબર મળતાં જ ડોક્ટરનું નામ આપોઆપ નેશનલ મેડિકલ રજિસ્ટર (NMR) માં નોંધાઈ જશે.

નવા નિયમો હેઠળ ડોક્ટરને આપવામાં આવતું પ્રેક્ટિસ લાઇસન્સ 5 વર્ષના સમયગાળા માટે માન્ય ગણાશે. મુદત પૂર્ણ થયાના 3 મહિનામાં જો લાઇસન્સ રિન્યુ નહીં કરાવવામાં આવે, તો રજિસ્ટ્રેશન ઇનએક્ટિવ થઈ જશે. પારદર્શિતા જાળવવા માટે કોઈ ડોક્ટર સામે વ્યાવસાયિક બેદરકારી કે ગેરવર્તણૂક બદલ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે, તો તેની સંપૂર્ણ વિગતો NMR પોર્ટલ પર સેન્ટ્રલાઇઝ્ડ અપડેટ થશે, જેથી તમામ રાજ્યોમાં તેનો રેકોર્ડ ઉપલબ્ધ રહેશે.

જે ડોક્ટરો પહેલેથી જ ઇન્ડિયન મેડિકલ રજિસ્ટર કે રાજ્ય રજિસ્ટરમાં નોંધાયેલા છે, તેમને પણ વન-ટાઇમ ડ્રાઇવ હેઠળ કોઈ વધારાની ફી લીધા વિના UID ફાળવવામાં આવશે. આ ઉપરાંત વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવનાર ભારતીય ગ્રેજ્યુએટ્સ (FMGE) અથવા ભવિષ્યની નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NExT) પાસ કરનારા ઉમેદવારો પણ આ સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ પાત્ર બનશે.

NMC એ આ સમગ્ર ડ્રાફ્ટ પોલિસી પર તબીબી જગત અને સામાન્ય જનતા પાસેથી 30 દિવસની સમયમર્યાદામાં વાંધા-સૂચનો મંગાવ્યા છે. જરૂરી સુધારા-વધારા બાદ આખરી નિયમો લાગુ થતાં જ સમગ્ર દેશમાં ડોક્ટરો માટે સમાન ડિજિટલ ઓળખની પ્રક્રિયા કાર્યરત થઈ જશે.

ડોક્ટરો માટે એક દેશ એક ઓળખ

NMC ના નવા પ્રસ્તાવ મુજબ દેશના તમામ ડોક્ટરોને સેન્ટ્રલ UID મળશે, જેથી વારંવાર રજિસ્ટ્રેશન કરાવ્યા વિના સમગ્ર ભારતમાં પ્રેક્ટિસ કરી શકાશે. લાઇસન્સ 5 વર્ષ માન્ય રહેશે અને જૂના ડોક્ટરોને વિનામૂલ્યે UID અપાશે. શિસ્તભંગની કાર્યવાહીનો રેકોર્ડ પણ નેશનલ પોર્ટલ પર નોંધાશે. આ ડ્રાફ્ટ નિયમો પર 30 દિવસમાં સૂચનો મંગાવાયા છે.