પ્રકૃતિ સાથે ચેડાં મોંઘા પડશે : હવે ઝાડ કાપ્યું તો સીધી FIR !
=> ગ્રીન ગુજરાત; ઝાડ બચાવો અભિયાન તેજ
સિટી ન્યૂઝ@ગાંધીનગર
આવા લોકો સામે પગલાં લેવા મ્યુનિ.આગામી દિવસોમાં રાજ્ય સરકારને કાયદામાં સુધારો કરવા માટે ભલામણ કરશે, જેથી ઝાડ કાપનારા સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે.
મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, શહેરમાં મ્યુનિ. ખૂબ જ સંવેદનશીલ રીતે વૃક્ષારોપણની કામગીરી કરી રહી છે. શહેરને હરિયાળું બનાવવા માટે નાગરિકો, સંસ્થાઓ, મ્યુનિ. પ્રયત્નશીલ છે.
શહેરમાં જ્યાં ગેરકાયદે અને કોઈ પણ મંજૂરી સિવાય જે લોકો વૃક્ષ કાપી રહ્યાં છે, તેમની સામે પગલાં લેવા અને કાયદામાં સુધારો કરી પોલીસ ફરિયાદ સુધીની જોગવાઈ દાખલ કરવા મ્યુનિ. રાજ્ય સરકારને ભલામણ કરશે. મેયરે શુક્રવારે વ્યાસપુરની મુલાકાત લીધી હતી, જેમાં આગામી સમયમાં ૧ લાખ કરતાં વધારે વૃક્ષ વાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું.
હાલ સૌરાષ્ટ્ર કોલિંગ ઓફ ટ્રી એક્ટમાં મોટો દંડ કરવાની જોગવાઈ છે. કલેક્ટર દ્વારા સત્તા અપાયા બાદ આ કાયદાનો અમલ અને દંડ મામલતદાર કરી શકે છે. બીજી તરફ મ્યુનિ. જીપીએમસી એક્ટ હેઠળ કમિશનરને મળેલી સત્તા હેઠળ ગેરકાયદે ઝાડ કાપતાં લોકો પાસેથી ભારે દંડ વસૂલી શકે છે. જોકે તેમાં માત્ર દંડની જોગવાઈ છે.
મહારાષ્ટ્રમાં વૃક્ષ કાપવું ગુનો છે. ૫ હજારના દંડ સહિત એક અઠવાડિયાથી લઈ ૧ વર્ષ જેલની સજાની જોગવાઈ છે. દિલ્હીમાં ૧ વર્ષ અને કર્ણાટકમાં ૩ મહિના સુધીની જેલ, પશ્ચિમ બંગાળમાં ૧ વર્ષ જેલની સજાની જોગવાઈ છે. આ રાજ્યોમાં પ્રતિ વૃક્ષ એક હજારથી ૧૦ હજાર દંડ પણ કરાય છે.
| ઝોન | કપાયેલા વૃક્ષોની સંખ્યા | વસૂલવામાં આવેલ દંડ |
| મધ્ય | 13 | 1.74 લાખ |
| પૂર્વ | 63 | 6 હજાર |
| પશ્ચિમ | 7 | 1.75 લાખ |
| ઉત્તર | 173 | 44 હજાર |
| દક્ષિણ | 73 | 27 હજાર |
| ઉ.પશ્ચિમ | 13 | 81 હજાર |
| દ.પશ્ચિમ | 1856 | 12.87 લાખ |
| કુલ | 2198 | 17.94 લાખ |