Loading Please Wait !!!
કાર સાઈડમાં લેવા મુદ્દે માથાકૂટ: પોલીસ ફરિયાદ

=> સર્વિસ સ્ટેશનમાં બે મિત્રો ઉપર મહિલા સહિત ચાર શખ્સોનો હુમલો


સિટી ન્યૂઝ@રાજકોટ

મૂળ સુરેન્દ્રનગરના વતની હાલ જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ સામે સિદ્ધિ સોસાયટીમાં રહેતા અને લોધિકાના ખાંભા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની એક કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા ઓમ કૃણાલભાઈ પંડ્યા ઉ.૨૪એ બલેનો કારના ચાલક વિક્રમભાઈ, તેની સાથેનો એક અજાણ્યો શખ્સ અને બે અજાણી મહિલા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેના મિત્ર સંજય પંડિત સાથે કંપનીની કાર સર્વિસ માટે ગયા હતા. ત્યાં તે કાર લઈને શો રૂમના સર્વિસ એરિયામાં જતા હતા ત્યારે સામેથી એક બલેનો કાર આવી જતા તેઓ બલેનો કાર ચાલકને કાર સાઈડમાં લેવાનું કહેતા ચાલક વિક્રમે ગાડી નહીં હટે તેમ કહી બોલાચાલી કરતાં શો રૂમના માણસો તથા મિત્ર સંજય પણ આવી પહોંચ્યા હતા.

મિત્રએ સમજાવતા તેને પણ કામ નહીં કરે તમારે જે કરવું હોય તે કરો કહેતા મિત્રએ પોલીસને કોલ કરતા આરોપી બંને સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. મિત્ર પડી જતાં આરોપી તેની છાતી પર બેસી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સાઈડમાં લઈ લીધો હતો બાદમાં મિત્ર અને આરોપી વિક્રમને ઇજા થતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. થોડીવાર બાદ આરોપી સાથે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવી વિક્રમને પણ ઇજા થઈ તેનો ખર્ચ આપો સમાધાન કરી નાખીએ કહેતા તેણે ના પાડતા ત્યાં પણ બે મહિલા સહિત ચારેયે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.